Jai Hind

કોરોના વખતનું એરિયર્સ ચૂકવવાનો સરકારનો નનૈયો : સરકારી કર્મીઓ ફરી નિરાશ સાંપડી

મોંઘવારી ભથ્થાના 18 મહિનામાં બાકી નાણા ચૂકવવાનું હાલ શક્ય ન હોવાની સ્પષ્ટ વાત

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો જેઓ લાંબા સમયથી કોરોનાકાળ દરમિયાન રોકાયેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી નાણાંની રાહ જોઈ રહ્યા હતા, તેમને ફરી એકવાર નિરાશા સાંપડી છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19 સમયગાળાના 18 મહિનાના બાકી એરિયર્સની ચુકવણી અત્યારે શક્ય નથી. સરકારના આ નિર્ણયથી અંદાજે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો પ્રભાવિત થશે.
વર્ષ 2020 માં જ્યારે કોરોના મહામારીએ દેશમાં દસ્તક આપી, ત્યારે અર્થતંત્ર પર ભારે દબાણ સર્જાયું હતું. આ આર્થિક બોજને પહોંચી વળવા માટે સરકારે 1 જાન્યુઆરી, 2020; 1 જુલાઈ, 2020; અને 1 જાન્યુઆરી, 2021 થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાઓ પર રોક લગાવી દીધી હતી. જોકે, જુલાઈ 2021 થી આ ભથ્થા ફરી શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તે 18 મહિનાનો બાકી હિસ્સો (એરિયર્સ) હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી.
ખર્ચ વિભાગ દ્વારા 15 એપ્રિલ, 2026 ના રોજ જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, રોગચાળા દરમિયાન સરકારને આરોગ્ય સેવાઓ અને ગરીબ કલ્યાણ યોજનાઓ પર અણધાર્યો મોટો ખર્ચ કરવો પડ્યો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ, કોવિડ-19 ની આર્થિક અસર માત્ર 2020-21 પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેની લાંબા ગાળાની અસરો હજુ પણ અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. આ સંજોગોમાં એરિયર્સનું વિતરણ કરવું સરકાર માટે “અવ્યવહારુ” છે.
સંરક્ષણ કર્મચારી સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને ટાંકીને એરિયર્સની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલની નાણાકીય સ્થિતિને પ્રાધાન્ય આપીને આ માંગને નકારી કાઢી છે. છેલ્લા 6 વર્ષથી કર્મચારી સંગઠનો આ હક માટે સતત રજૂઆતો કરી રહ્યા છે. તાજેતરમાં જ પેન્શનરો માટે 2% ઉછ વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી આશા જાગી હતી કે કદાચ જૂનું એરિયર્સ પણ મળશે. પરંતુ નાણાં મંત્રાલયના આ તાજા નિર્ણયથી કર્મચારીઓમાં ફરી નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે સરકારના કડક વલણથી સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં આ બાકી રકમ મળે તેવી સંભાવના ઘણી ઓછી છે.