Jai Hind

સાઉથની ફિલ્મો બાદ રાજકારણમાં પણ સુપર સ્ટાર તરીકે વિજયનો ઉદય

તામીલનાડુમાં રાજકીય ભૂકંપ સર્જીને સૌથી વધુ બેઠકો પર આગળ રહેલી પાર્ટી તામિલના વેટ્ટ્રી કઝગમ (ટીવીકે)ના વડા સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર થલપતિ વિજયનો જબરદસ્ત રાજકીય ઉદય થયો છે.
રાજનીતિમાં ઝંપલાવીને પ્રથમ જ વખત ચૂંટણીમાં ઝંપલાવનાર વિજયની પાર્ટી ટોચ પર રહી છે. ફિલ્મી સુપર સ્ટાર વિજય રાજકારણના પણ સુપર સ્ટાર બન્યા છે. તેમની રાજકીય એન્ટ્રી પૂર્વેના કેટલાંક ઘટનાક્રમોથી વિવાદ પણ થયો હતો.
સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયે કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું અભિનયમાંથી વિરામ લઈને તેમણે પોતાની પાર્ટી ’તમિલગા વેટ્ટ્રી કઝગમ’ દ્વારા રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે. ફેબ્રુઆરી 2024માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે સત્તાવાર રીતે પાર્ટીના નામની જાહેરાત કરી હતી. જોકે, તેમણે લોકસભા ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેના માટે અભિનય છોડવાનો મોટો નિર્ણય પણ લીધો હતો. થલાપતિ વિજયે 27 ઓક્ટોબર, 2024ના રોજ વિલ્લુપુરમના વિક્રવંડીમાં પોતાની પ્રથમ ભવ્ય રેલી યોજીને રાજકીય તાકાત બતાવી હતી. જોકે, 27 સપ્ટેમ્બર, 2025ના રોજ કરૂરમાં આયોજિત રેલીમાં ક્ષમતા કરતા વધુ ભીડ ઉમટી પડતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલાક લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિજયે મૃતકોના પરિવારોને 20-20 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ મામલાની તપાસCBI ને સોંપવામાં આવી હતી, જેમાં વિજયની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ તેમણે સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે વધુ ગંભીરતા દાખવી હતી. રાજકીય કારકિર્દી શરૂ કરતા પહેલા વિજય પોતાના પિતા એસ.એ. ચંદ્રશેખર સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમના પિતાએ વિજયના નામે એક રાજકીય પક્ષની રચના કરી હતી, જેનો વિજયે સખત વિરોધ કર્યો હતો. તેમણે પોતાના માતા-પિતા સહિત 11 લોકો સામે સિવિલ કેસ પણ દાખલ કર્યો હતો. વિજયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પિતાની રાજકીય મહત્વકાંક્ષાઓનો ભાગ બનવા માંગતા નથી અને કોઈને પણ તેમના નામનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવાની મંજૂરી આપશે નહીં.