પશ્ર્ચિમ બંગાળ માટે અમિત શાહ, આસામ માટે નડ્ડા નિરીક્ષક
શપથવિધિમાં વડાપ્રધાન મોદૃી સહિત કેન્દ્રિય નેતાઓ હાજરી આપશે
પશ્ર્ચિમ બંગાળમા ભારતીય જનતા પક્ષને પ્રચંડ બહુમતી સાથે સતા મળી છે અને હવે સરકાર રચવાની કામગીરી પણ શરુ થઈ છે તે વચ્ચે રાજયમાં નવી સરકારની શપથવિધિ તા.9 મે ના રોજ યોજાશે તેવી જાહેરાત પશ્ર્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ કરી છે. જો કે મુખ્યમંત્રી પદ માટે દાવેદારો અંગે તેઓએ કોઈ સંકેત આપ્યો નથી. રાજયમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનવા માંગતા વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સૌથી આગળ છે. તેઓએ ગત ચુંટણીમાં પણ મમતા બેનરજીને પણ પરાજીત કર્યા હતા અને આ ચુંટણીમાં પણ ભવાનીપુર જેવી મમતાના ગઢ સમાન બેઠકમાં પણ દીદીને 15000થી વધુ મતે હરાવ્યા છે અને તેથી જ તેમના નામ પર ભાજપ મોવડીમંડળ પસંદગી ઉતારે તેવા સંકેત છે. રાજયમાં ચુંટણી પ્રભારી તરીકે કામગીરી કરનાર પક્ષના મહામંત્રી સુનિલ બંસલે જણાવ્યું કે આ અંગે હજુ કોઈ ચર્ચા થઈ નથી. તેઓ દિલ્હી જઈ રહ્યા છે અને પક્ષનું મોવડીમંડળ બાદમાં નિર્ણય લેશે. રાજયમાં તા.7 મે ના રોજ વિધાનસભાની મુદત પુરી થઈ રહી છે તે પહેલા નવી વિધાનસભાની રચનાનું જાહેરનામુ બહાર પડશે અને બાદમાં ભાજપના ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે.
પ.બંગાળ સહિતના રાજયોમાં ભાજપે ચુંટણી જીતતા હવે નિરિક્ષકોની નિયુક્તિ શરૂ કરીને સરકાર રચવાની કામગીરી તેજ કરી છે. પ.બંગાળમાં તા.9ના રોજ નવા મુખ્યમંત્રી શપથ લેશે તે પુર્વે પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં હવે પ.બંગાળમાં નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા ઓડીસાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી કોલકતા જશે તો આસામમાં કેન્દ્રીય ગૃહમંત્રી જે.પી.નડ્ડા તથા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જશે.
આ બન્ને રાજયોના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠકની તારીખો જાહેર થશે અને તે બાદ ધારાસભ્યોના મંતવ્ય જાણીને નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. બન્ને રાજયોમાં નામોની ચર્ચામાં આસામમાં હિમંતા બિશ્ર્વા સરમા તથા પ.બંગાળમાં સુવેન્દુ અધિકારીનું નામ આગળ છે પણ હવે ભાજપ તેના પર જ પસંદગી કરે છે કે પછી કોઈ આશ્ર્ચર્ય સર્જે છે તેના પર નજર છે.