93 ટકા ઉત્પાદકોએ ઉત્પાદનમાં વૃદ્ધિની આશા વ્યક્ત કરી, સર્વિસ સેક્ટરમાં તેજી
નવી દિલ્હી : ઈરાન-અમેરિકા વચ્ચે બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ માર્ગોમાં અવરોધે વિશ્વભરનાં દેશોને અસ્થિર કરી દીધાં છે. આનાથી ખુદ અમેરિકા પણ બચી શક્યું નથી. અમેરિકામાં પેટ્રોલના ભાવ બે મહિનામાં 50 ટકા વધી ગયા છે અને તે 4 વર્ષનાં સૌથી ઉંચા સ્તર 4.51 ડોલર પ્રતિ ગેલન પર પહોંચી ગયા છે. સાથે જ ત્યાં મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આઈએમએફના અહેવાલ મુજબ, તેલની અછતને પગલે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ હચમચી ગઈ છે, પરંતુ આ તમામ સંકટો છતાં ભારતીય અર્થતંત્ર પર બહુ અસર થઈ નથી. નાણા મંત્રાલયનાં અહેવાલ મુજબ, ભારત તેનાથી દુર રહ્યું નથી, પરંતુ મજબૂત બનેલું છે. આ દરમિયાન ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની ઉત્પાદન પ્રવૃત્તિઓમાં તેજી આવી છે.
ઉદ્યોગ સંગઠન ફિક્કીના સર્વે રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયા સંકટને કારણે ઇનપુટ ખર્ચ વધવા છતાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર હકારાત્મક રહ્યું છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 2025-26ના માર્ચ ક્વાર્ટરમાં લગભગ 93 ટકા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સે ઉત્પાદનમાં વધારો થવાની આશા વ્યક્ત કરી છે. સ્થાનિક ઓર્ડરમાં પણ આશાવાદ જળવાઈ રહ્યો છે અને 89 ટકા ઉત્તરદાતાઓએ ઉચ્ચ અથવા સમાન સ્તરની માંગની અપેક્ષા રાખી છે. પાછલા ક્વાર્ટરની સરખામણીમાં ઉત્પાદન ક્ષમતાના ઉપયોગમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. હવે સરેરાશ 72 ટકા ક્ષમતાનો જ ઉપયોગ થઈ રહ્યો છે, જે થોડો ઓછો છે. તેમ છતાં આગામી છ મહિનામાં રોકાણની અપેક્ષા સ્થિર છે.
રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2020 થી સતત ઉભરતાં બજારોમાં સૌથી મજબૂત અર્થતંત્ર રહ્યું છે. મજબૂત વિદેશી નાણા ભંડાર, સ્પષ્ટ અને ભરોસાપાત્ર નાણાકીય નીતિ અને સ્થાનિક બજારો પર નિર્ભરતાને કારણે ભારત દરેક અડચણોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
સર્વે મુજબ, લગભગ 70 ટકા ઉદ્યોગકારોએ જણાવ્યું કે વેચાણની સરખામણીએ ઉત્પાદન ખર્ચનો હિસ્સો વધી ગયો છે. પાછલા ક્વાર્ટરમાં આ સંખ્યા 57 ટકા હતી. ભરતી અને શ્રમ ઉપલબ્ધતામાં સુધારો જોવા મળ્યો છે. આગામી ત્રણ મહિનામાં 41 ટકા ઉદ્યોગકારોએ નવી ભરતીનું આયોજન કરી રહ્યાં છે. લગભગ 79 ટકા ઉદ્યોગકારોએ ે પર્યાપ્ત શ્રમિકોની ઉપલબ્ધતા દર્શાવી, જ્યારે 21 ટકા લોકોએ કુશળ શ્રમિકોની અછતનો પડકાર દર્શાવ્યો. સર્વેમાં 80 ટકા ઉદ્યોગકારોએ નિકાસમાં વૃદ્ધિની આશા વ્યક્ત કરી છે. ઇન્વેન્ટરીમાં સમાન અથવા ઉચ્ચ સ્તરની અપેક્ષા રાખનારાઓની સંખ્યા 86 ટકા રહી.
એચ.એસ.બી.સી મુજબ, મજબૂત સ્થાનિક માંગ, ઈ-કોમર્સ પ્રવૃત્તિઓમાં તેજી અને નવા ઓર્ડરમાં સુધારાને કારણે એપ્રિલમાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓ પાંચ મહિનાના ટોપ પર પહોંચી ગઈ છે. સર્વિસ ઙખઈં માર્ચનાં 57.5 ના 14 મહિનાના નીચલા સ્તરથી વધીને એપ્રિલમાં 58.8 પર પહોંચી ગયો છે. જ્યારે પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે નિકાસ વૃદ્ધિ નબળી રહી અને ખર્ચનું દબાણ ઊંચું રહ્યું. ભારતીય સેવાઓની આંતરરાષ્ટ્રીય માંગ નબળી રહી છે. ન્યૂ એક્સપોર્ટ બિઝનેસ ઇન્ડેક્સ ઘટીને એક વર્ષના બીજા સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
કયા સેક્ટરમાં કેટલી ક્ષમતાથી ઉત્પાદન થઈ રહ્યું છે
સેક્ટર કેપેસિટી યુટિલાઈઝેશન
ઓટોમોબાઈલ 75.7 ટકા
કેપિટલ ગુડ્સ 69 ટકા
રસાયણ અને ફાર્મા 75 ટકા
ઈલેક્ટ્રોનિક્સ 68 ટકા
મશીન ટુલ્સ 70 ટકા
મેટલ પ્રોડક્ટ્સ 76 ટકા
અન્ય સેક્ટર્સ 65 ટકા
ટેક્સટાઈલ – અપેરલ 76.4 ટકા