Jai Hind

હવે તમે રાખી શકશો પર્સનલ એઆઈ, જે કહેશો તે કરી આપશે

મેટા હવે એઆઈ એજન્ટ્સ તરફ આગળ વધી રહી છે. કંપની એવા નવા પર્સનલાઇઝ્ડ એઆઈ એજન્ટ્સ લાવવા પર કામ કરી રહી છે, જે રોજિંદા કામ કરી શકશે

એઆઈ એજન્ટ્સની લોકપ્રિયતા વધી રહી છે. એઆઈ એજન્ટ્સ લોકોનાં કામોને ઓટોમેટ કરી શકે છે. મોટાભાગનાં એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કોડ લખવા અથવા કામ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ માર્ક ઝુકરબર્ગ રોજિંદા કામો માટે પણ એઆઈ એજન્ટ્સ લાવવા પર વિચાર કરી રહ્યાં છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, મેટા નવા પર્સનલાઇઝ્ડ એઆઈ એજન્ટ્સ પર કામ કરી રહી છે, જે 3 અબજથી પણ વધુ યુઝર્સ માટે રોજિંદા કામ કરી શકશે. હકીકતમાં, આ સમયે મેટા એઆઈમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. એવામાં કંપનીનો આ વિચાર તેનાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મેટાએ તાજેતરમાં મોલ્ટબુકને ખરીદ્યું છે. આ ઓપનક્લોનું એઆઈ ઓન્લી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. મોલ્ટબુક ટીમ મેટા સુપરઇન્ટેલિજન્સ લેબ્સમાં સામેલ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, મેટાના નવા પર્સનલાઇઝ્ડ એઆઈ એજન્ટ્સ કદાચ ઓપનક્લો જેવા જ હશે. જોકે, ઓપનક્લોથી અલગ મેટાના એજન્ટ્સ તેનાં પોતાનાં મ્યુઝ સ્પાર્ક એઆઈ મોડલથી સંચાલિત હોઈ શકે છે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે નવા એજન્ટ્સનું ટેસ્ટિંગ કર્મચારીઓના એક ગ્રુપ સાથે કરવામાં આવશે. ઓપનક્લોની જેમ જ, યુઝર્સ કદાચ પોતાનાં એજન્ટ્સને કામ સોંપી શકશે. ત્યારબાદ તેઓ બેકગ્રાઉન્ડમાં તે કામ કરતાં રહેશે. જોકે, એ સ્પષ્ટ નથી કે એજન્ટ્સ ઓપનક્લોની જેમ ડિવાઇસ પર ચાલશે કે એન્થ્રોપિકના ક્લોડની જેમ બધું ક્લાઉડના માધ્યમથી થશે.
રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મેટા ઈચ્છે છે કે યુઝર્સ આ મોડલ્સ સાથે સંવેદનશીલ માહિતી શેર કરી શકે, જેમાં સ્વાસ્થ્ય અને નાણાકીય ડેટા પણ સામેલ છે. અત્યારે આ એજન્ટ્સના ફીચર્સ વગેરે વિશે માહિતી સામે આવી નથી. મેટાની યોજનાઓ માત્ર એઆઈ એજન્ટ્સ સુધી જ મર્યાદિત નથી. કંપની છેલ્લાં કેટલાક સમયથી એઆઈ પર પોતાનું ધ્યાન વધુ વધારી રહી છે. એઆઈ એજન્ટ્સ ઉપરાંત, એવી પણ ચર્ચા છે કે મેટા ઇન્સ્ટાગ્રામમાં એક અલગ ‘એજન્ટિક શોપિંગ ટૂલ’ ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે.