Jai Hind

તામિલનાડુમાં વિપક્ષમાં મોટુ ભંગાણ અન્નાડીએમકેના ૩૦ ધારાસભ્યોનો અલગ થઈ વિજય સરકારને ટેકો

તામિલનાડુમાં ટીવીકેની સી.જોસેફ વિજયના નેતૃત્વની સરકારને વિધાનસભામાં બહુમતના પારખા પુર્વે જ જબરદસ્ત સફળતા મળી છે. રાજયની મુખ્ય વિપક્ષ તરીકે અન્નાડીએમકેમાં મોટુ ભંગાણ પડયું છે અને આ પક્ષના 30 ધારાસભ્યોએ અલગ ચોકો રચીને વિજય સરકારને ટેકો જાહેર કર્યો છે. અન્નાડીએમકેના નેતા ટીવી ષણમુગમના નેતૃત્વમાં આ ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડયો હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે અન્નાડીએમકે તોડવાનો કોઈ ઈરાદો નથી. પક્ષના વડા એ.પલાનીસામી પણ અમારી સાથે છે. હાલમાં યોજાયેલી ધારાસભા ચુંટણીમાં અન્નાડીએમકેને 47 બેઠકો મળી હતી જેમાંથી 30 ધારાસભ્યોએ અલગ ચોકો રચતા જ પક્ષમાં ભંગાણ નિશ્ર્ચિત બન્યુ છે. ષણમુગમે કહ્યું કે અન્નાડીએમકેની સ્થાપનાથી જ રાજનીતિમાં ડીએમકેના વિરોધી તરીકે પક્ષનું સ્થાન છે પરંતુ જે રીતે પક્ષમાં ડીએમકે સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ થયો તે આંચકાજનક છે. જો તેમ થયુ હોત તો પક્ષનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હોત. ષણમુગમે કહ્યું કે જનાદેશ મુખ્યમંત્રી વિજયની સાથે છે અને તેથી અમે સરકારને સમર્થન આપીએ છીએ. રાજયમાં 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મેળવનાર ટીવીકેને સરકાર રચવા માટે જરૂરી 118 ધારાસભ્યો મેળવતા પણ છ દિવસ લાગી ગયા હતા પરંતુ મુખ્યમંત્રી પદે અભિનેતા વિજયે શપથ લેતા જ તા.13ના રોજ તેઓએ વિધાનસભામાં વિશ્ર્વાસ મત મેળવવાનો છે તે પુર્વે તેમને 30 ધારાસભ્યોનો ટેકો મળી ગયો છે. આમ હવે તેને અન્ય નાના પક્ષોના ટેકાની જરૂર રહેશે નહી અને તેનાથી સરકાર વધુ મજબૂત બનશે. હવે અન્નાડીએમકેનું આ જૂથ સરકારમાં જોડાઈ છે કે
કેમ તેના પર નજર છે અને આગામી દિવસોમાં રાજયનું રાજકારણ નવા વળાંક લઈ શકે છે.