આવનારા સમયમાં સંકટને પહોંચી વળવા સરકારે પગલા શરૂ કર્યા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સોનાની વધતી જતી આયાતથી જે કિંમતી વિદેશી હુંડીયામણ ખર્ચવું પડે છે. તેના પર ચિંતા વ્યક્ત કરતા દેશના લોકોને એક વર્ષ માટે સોનાની ખરીદી નહી કરવા કરેલી અપીલના મિશ્ર પ્રતિભાવ પડયા છે તે વચ્ચે જ કેન્દ્ર સરકારે હવે સોના-ચાંદી વધુ બનાવતા આ કિંમતી ધાતુ પરની આયાત-જકાત 6%થી વધારીને 15% કરી છે. જેના કારણે દેશમાં સોનાની આયાત વધુ મોંઘી બનશે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ સોનાની આયાત પર બેઝીક કસ્ટમ ડયુટી 5% વધારીને 10% કરી છે તો એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ 1%થી વધારી 5% કરી છે જેથી હવે કુલ 15% જેટલી આયાત ડયુટી વસુલાશે.
વિદેશી હુંડિયામણના સંભવિત સંકટને ટાળવા માટે કેન્દ્ર સરકારે સોના-ચાંદીની આયાત જકાતમાં ધરખમ વધારો ઝીંકતા બન્ને કિંમતી ધાતુના ભાવ આજે સળગ્યા હતા. સોનામાં 11000નો ઉછાળો હતો. ચાંદીનો ભાવ ફરી ત્રણ લાખને આંબી જવા સાથે 21000નો ભાવવધારો થયો હતો.
આ ઉપરાંત સંયુકત આરબ અમીરાતથી આયાત થતા ખાધ કરાર કવોટા હેઠળ જે સોનુ આયાત થાય છે તેના પર પણ આ વધારાયેલી ડયુટી લાગુ થશે. અત્યાર સુધી આ પ્રકારની આયાતને ખાસ ઓછા દરનો લાભ મળતો હતો તે પણ દુર કરાયો છે. ભારત એ સોના-ચાંદીનું બીજા નંબરનું સૌથી મોટુ ગ્રાહક છે અને તેમાં નેટ-આયાતકાર પણ છે. ભારતમાં ફકત 1% સોનુ મળે છે. આ બન્ને કિંમતી ધાતુની આયાતથી વિદેશી હુંડીયામણમાં ભારતે ગત વર્ષે જે રૂા.4.50 લાખ કરોડનું સોનુ જે 800 ટન થવા જાય છે તે આયાત કર્યુ હતું તો ચાંદીની આયાત પણ રૂા.60000 કરોડની થઈ છે. સોના-ચાંદીની આ જંગી આયાતના કારણે દેશનું આયાત બિલ 24% જેટલું વધીને આ બન્ને કિંમતી ધાતુ પર 83.98 બીલીયન ડોલરનો ખર્ચ કર્યો છે. જે તેના અગાઉના વર્ષે 58 બિલિયન ડોલર હતું પણ સ્થિતિ તથા ક્રુડ તેલ આયાત વધતા ભારતની ચાલુ ખાતા વ્યાપાર ખાધ (નિકાસ કરતા આયાત વધુ) 333.2 બીલીયન ડોલર થઈ છે અને હજુ આગામી સમયમાં ઈરાન યુદ્ધ સહિતના ફેકટરમાં અનિશ્ર્ચિતતા છે તેથી ક્રુડતેલના ભાવ વધી શકે છે તથા ભારતનું આયાત બિલ વધી શકે છે તે ચિંતા સરકારને છે અને લાંબા ગાળે દેશને આયાતમાં પણ મુશ્કેલી પડી શકે છે તે જોતા સોના-ચાંદીની આયાત જકાત વધારી છે જેની અસર હેઠળ હવે આયાત ઘટશે તેવી આશા સરકાર રાખે છે.