ડી.જી.એફ.ટી.ના નવા નિયમનો અમલ શરૂ
નવી દિલ્હી : સરકારે ડ્યુટી ફ્રી સોનાની આયાતના નિયમો વધુ કડક બનાવ્યાં છે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય એ રત્ન અને આભૂષણ નિકાસકારો માટે નવા નિયમો લાગું કર્યા છે, જેથી સોનાની આયાત પર વધુ સારી રીતે દેખરેખ રાખી શકાય. આ નિર્ણય સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કર્યાના એક દિવસ બાદ આવ્યો છે.
નવા નિયમો હેઠળ હવે ’એડવાન્સ ઓથોરાઈઝેશન’ દ્વારા ડ્યુટી ફ્રી સોનાની આયાત પ્રતિ લાઈસન્સ મહત્તમ 100 કિલોગ્રામ સુધી જ કરી શકાશે. પ્રથમ વખત અરજી કરનારા વેપારીઓના યુનિટનું ફિઝિકલ ઇન્સ્પેક્શન પણ ફરજિયાત રહેશે.
ફરીથી અરજી કરનારાઓ માટે પણ નવી શરત ઉમેરવામાં આવી છે. હવે નવું આયાત લાઈસન્સ ત્યારે જ મળશે, જ્યારે અગાઉનાં લાઈસન્સ હેઠળ નક્કી કરવામાં આવેલાં નિકાસ લક્ષ્યાંકનો ઓછામાં ઓછો 50 ટકા હિસ્સો પૂરો કરી લેવામાં આવ્યો હોય. સરકારનું માનવું છે કે આનાથી નિયમોનાં દુરૂપયોગ પર રોક લાગશે. પ્રાદેશિક અધિકારીઓ તપાસ કરશે કે યુનિટ વાસ્તવમાં અસ્તિત્વમાં છે કે નહીં. નવી શરતો ‘હેન્ડબુક ઓફ પ્રોસીજર્સ 2023’ માં સામેલ કરવામાં આવી છે.
તમિલનાડુના આશરે 30,000 જ્વેલર્સે જાહેરાત કરી છે કે તેઓ હવે સોનાનાં સિક્કાઓનું વેચાણ અને ગોલ્ડ સેવિંગ સ્કીમ્સને પ્રોત્સાહન આપશે નહીં. આ પગલું સોનાની આયાત ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઓછું કરવાનાં ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.
તમિલનાડુ જ્વેલર્સ ફેડરેશને જણાવ્યું હતું કે, આ પગલું આયાત શુલ્કમાં વધારો અને કિંમતોમાં વધઘટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. સોના અને ચાંદી પર આયાત શુલ્ક 6 ટકાથી વધારીને 15 ટકા કર્યા પછી દેશભરનાં જ્વેલરી બજારોમાં અચાનક સુસ્તી છવાઈ ગઈ છે.
ડ્યુટી વધવાને કારણે બંને ધાતુઓના ભાવ ઝડપથી વધ્યાં છે, જેનાં કારણે ગ્રાહકો નવી ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે.