કેરળમાં વિધાનસભા ચૂંટણી પરિણામના 14 દિવસ બાદ રાજયમાં કોંગ્રેસ નેતૃત્વની યુડીએફ સરકારના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના પીઢ નેતા વીડી સતીષન અને તેમની કેબીનેટે શપથ લીધા હતા. એવું 64 વર્ષ બાદ પ્રથમ વખત થઈ રહ્યું છે કે રાજયમાં મુખ્યમંત્રીની સાથે પુરી કેબીનેટ એ શપથ લીધા હતા અને તેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હરોળ ઉપસ્થિત રહી હતી જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી પણ હાજર હતા તેમજ કોંગ્રેસ સાંસદના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. શ્રી સતીષનની સાથે કોંગ્રેસના સીનીયર નેતા રમેશ ચેન્નીથલા સહિતના 11 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. જયારે ઈન્ડીયન યુનીયન મુસ્લીમ લીગના પાંચ તથા ગઠબંધનના નાના સાથી પક્ષોના ચાર મંત્રીઓએ શપથ લીધા હતા. રાજયમાં આ સાથે યુડીએફની સરકાર આવી ગઈ છે. જેમાં 14 ધારાસભ્યો પ્રથમ વખત મંત્રી બન્યા છે. હવે તા.22ના રોજ વિધાનસભાનું સત્ર મળશે જેમાં અધ્યક્ષ સહિતની ચુંટણીઓ થશે.
શપથવિધિ પુર્વે જ કોંગ્રેસના સીનીયર નેતા ચેન્નીથલાએ ખુદને ગૃહમંત્રી જાહેર કરી દીધા
મુખ્યમંત્રીની ઓથોરિટીને પડકાર: સરકારમાં પ્રારંભે જ વિવાદ
થિરુવન્તપુરમ: કેરળમાં શપથવિધિ પહેલા જ કોંગ્રેસના સીનીયર નેતા રમેશ ચેન્નીથલાએ ખુદ ગૃહમંત્રાલય સંભાળશે તેવી જાહેરાત કરી દેતા આશ્ર્ચર્ય સર્જાયુ હતું. મુખ્યમંત્રીપદની રેસમાં રહેલા ચેન્નીથલાને કેબીનેટ મંત્રી તરીકે સંતોષ માનવો પડયો છે અને શપથવિધિ બાદ મુખ્યમંત્રી ખાતાઓની વહેંચણી કરે છે પરંતુ ચેન્નીથલા કે જેઓ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ છે. તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સુધારવાની જરૂર છે અને તેથી હું ગૃહમંત્રાલય સંભાળીશ. આમ મુખ્યમંત્રીની ઓથોરિટીને પણ તેઓએ સીધો પડકાર ફેંકયો છે અને રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓની હાજરીમાં તેઓએ આ જાહેરાત કરીને આશ્ર્ચર્ય સર્જયુ છે.