ઉતરાખંડ સ્થિત પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખો લોકો ઉમટી રહ્યા છે. જ્યારે કેદારનાથના માર્ગે પ્રચંડ ભૂસ્ખલન થતાં 10000થી વધુ યાત્રાળુઓ ફસાઇ ગયા હતા. સરકારી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરીને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.સતાવાર સુત્રોએ કહ્યું કે રૂદ્ર પ્રયાગમાંથી 10450 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સોનપ્રયાગ તથા ગૌરીકુંડ વચ્ચે ભારે વરસાદ બાદ ભૂસ્ખલન સર્જાયું હતું. કાટમાળના ઢગલાને કારણે મુખ્ય ધોરીમાર્ગ બંધ થઇ ગયો હતો અને હજારો યાત્રાળુઓ ફસાઇ ગયા હતા.ગાઢ અંધકારમાં ભારે વરસાદ વચ્ચે સતત પથ્થરો પડતા હોવાથી અધવચ્ચે અટવાઇ પડેલા મુસાફરોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તત્કાળ દોડાવવામાં આવી હતી. યુધ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને 10450 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.