Jai Hind

નીટ લીકેજ: પ્રથમ વખત પેપર ખરીદનાર પેરેન્ટની ધરપકડ

પુત્રને ડોકટર બનાવવા તબીબ પિતાએ કોચીંગ કલાસના સંચાલક પાસેથી પેપર ખરીદ્યુ હતુ

નવી દિલ્હી: આ વર્ષની નીટ પરીક્ષાના પેપર લીકેજ થયા જેમાં સીબીઆઈએ આ લીકેજ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી છે. પ્રથમ વખત પોતાના પુત્ર માટે પેપર ખરીદનાર લાતુરના એક ડોકટરની ધરપકડ કરી છે.
લાતુરના ડો. મનોજ શીરૂરે આ પરિક્ષા આપી રહેલા તેના પુત્ર માટે એક કોચીંગ કલાસના સંચાલક પાસેથી પેપર ખરીદ્યુ હતું. ડોકટર મનોજ એક નિવૃત પ્રોફેસર પી.વી.કુલકર્ણીના માધ્યમથી કોચીંગ કલાસના સંપર્કમાં આવ્યા હતા તેનો પુત્ર આ જ કોચીંગ કલાસમાં ‘નીટ’ માટે અભ્યાસ કરવા જતો હતો. પોલીસે કોચીંગ કલાસના સંચાલકની ધરપકડ કરી છે તો નિવૃત પ્રોફેસરની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.
આ કોચીંગ કલાસમાં નીટના પેપરના 45માંથી 43 પ્રશ્ર્નો સોલ્વ કરાયા હતા જેને ગેસ્ટ-પેપર તરીકે ઓળખાવાયુ હતું. પોલીસે હવે નાણાકીય સ્ત્રોતો પણ ચકાસી રહી છે. મહારાષ્ટ્રનું લાતુર એ આ પેપર લીકેજનું એપી સેન્ટર બની રહ્યું છે.
બીજી તરફ દેશમાં નીટની પરીક્ષાના પેપર લીક સામે દેખાવો ચાલુ રહ્યા છે. આજે જયપુરમાં હજારો વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી તથા ચક્કાજામ કર્યો હતો. જેને વિખેરવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પાટનગર દિલ્હીમાં પણ શિક્ષણ મંત્રીના નિવાસસ્થાને દેખાવો યોજાયા હતા.