પેટ્રોલ વપરાશ 6.8% વધ્યો ડિઝલની માંગ લગભગ સ્થિર: સૌથી મોટો ફટકો ઔદ્યોગીક એલપીજીની માંગ પર 13.1% ઘટીને 2.21 મીલીયન મેટ્રીક ટન રહી
દેશમાં ઈરાન સંકટના કારણે પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણની કરકસર થાય તે જોવા ખાસ જણાવ્યુ છે. તે અથવા ઉંચા ભાવ પરિણામ લાવી રહ્યા છે. ક્રુડતેલના ઉંચા ભાવના કારણે ભારતનું ઓઈલ આયાત બિલ 5.7 બિલિયન ડોલર વધી ગયુ છે અને હજુ ઈરાન વિવાદનો કયારે ઉકેલ આવશે તે પણ પ્રશ્ર્ન છે તે વચ્ચે એપ્રિલ માસમાં ભારતની ઈંધણ માંગમાં ઘટાડો થયો છે. એપ્રિલ માસમાં ભારતનો ઈંધણ વપરાશ એક વર્ષ પુર્વે આ માસની સરખામણીમાં 4.6% ઘટી છે. કુદરતી ગેસનો વપરાશ ઘટયો છે. વૈશ્ર્વિક રીતે એલએનજી ઉપલબ્ધતા ઘટી છે તેથી ભારતની આયાતમાં 30% ઘટી છે. પેટ્રોલિયમ મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ એપ્રિલ માસમાં પેટ્રોલીયમ ઉત્પાદનોનો વપરાશ 19.6 મીલીયન મેટ્રીક ટન રહ્યો છે જે ગત વર્ષ એપ્રિલ માસમાં 20.2 મિલિયન મેટ્રીક ટન હતો. સૌથી વધુ વપરાશ ઘટાડો કુદરતી ગેસમાં થયો છે. એપ્રિલ માસમાં કુદરતી ગેસનો વપરાશ 16.7% ઘટી (ગત એપ્રિલની સરખામણીમાં) તે 4703 મીલીયન મેટ્રીક સ્ટાન્ડર્ડ- કયુબીક મીટર (એમએમએસસીએમ) રહ્યો છે. એલએનજી આયાત 29.6% ઘટી છે અને દેશે 1954 એમએમએસસીએમ આયાત કરી હતી. જો કે ઉંચા ભાવના કારણે દેશનું ક્રુડતેલ આયાત બિલ તો વધ્યુ જ છે. સરકારી ડેટા મુજબ એપ્રિલ 2026માં ભારતે 16.3 બિલિયન ડોલરનું 21 એમએમટી ક્રુડતેલ આયાત કર્યુ જે એપ્રિલ 2025માં 20.98 એમએમટી 10.66 બીલીયન ડોલરનો ખર્ચ કરી આયાત કરાયું હતું જે ગત વર્ષની સરખામણીમાં 5.7 બિલિયન ડોલરનો વધારાનો ખર્ચ થયો હતો. બ્રેન્ટ ક્રુડ એપ્રિલ માસમાં 120.55 ડોલર પ્રતિ બેરલ રહે છે. જે ગત વર્ષ એપ્રિલમાં 67.79 ડોલર પ્રતિ બેરલ હતું.વાસ્તવમાં આયાત બિલ વધવાના કારણમાં રૂપિયાનો ઘસારો પણ કારણ છે. એપ્રિલ 2025માં રૂપિયો 85.05 પ્રતિ ડોલર હતો. જે હવે 95.24 પ્રતિ ડોલર છે. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રૂા.8 જેટલા વધારી દેવાયા છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ધીમે ધીમે ક્રુડ ઓઈલ ભાવ વધારો લોકો પર લાદી રહી છે. વાસ્તવમાં ડિઝલ જે પેટ્રોલિયમ ડિમાન્ડમાં 4.3% હિસ્સો ધરાવે છે તે ફકત 0.9% જ વધી છે અને 8.33 એમએમટી રહી છે જયારે પેટ્રોલ માંગ 6.8% વધી છે અને 3.68 એમએમટી રહી છે. જયારે એલપીજી માંગ 73.1% ઘટીને 2.21 એમએમટી રહી છે જે ગત વર્ષ એપ્રિલમાં 2.54 એમએમટી હતી. ડાબરની માંગ 30.6% ઘટી છે. નેપ્થાની માંગ 18.9%, ફયુલ ઓઈલની માંગ 9.4% ઘટી છે.