કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનના વિવાદમાં હવે પક્ષના મોવડીમંડળે નિર્ણય લઈ લીધો હોવાના સંકેત છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરમૈયા કાલે તેમના હોદા તથા સરકારનું રાજીનામુ સુપ્રત કરીને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાના માર્ગ ખુલો કરાશે. ત્રણ વર્ષ પુર્વે રાજયમાં કોંગ્રેસ સરકાર બાદ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધરમૈયા અને ડી.કે.શિવકુમાર વચ્ચે જે કશ્મકશ હતી તેમાં અત્યાર સુધી સિદ્ધરમૈયા તેની પુરતી બચાવવામાં સફળ રહ્યા હતા પણ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા મુજબ ડી.કે.શિવકુમારે અઢી વર્ષ બાદ પોતાનો દાવો મજબૂત કર્યો હતો. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી મેરેથોન બેઠક બાદ જે ફોર્મ્યુલા તૈયાર થઈ છે તેમાં સિદ્ધરમૈયાને રાજયસભામાં ચુંટી કઢાશે અને રાષ્ટ્રીય સ્તરે પક્ષ સંગઠન જવાબદારી સોંપશે તો ડી.કે.શિવકુમારે બાકીના સમયમાં મુખ્યમંત્રીપદ સંભાળશે.