Jai Hind

મોંઘવારી આવી રહી છે: ખુદ સરકારે જ ચેતવણી આપી દીધી

ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ બંધ રહેતા દેશમાં જે રીતે ક્રુડતેલના મુદે સમસ્યા સર્જાઈ છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારાથી ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલ-ગેસ મોંઘા કરવા પડયા છે અને સાથોસાથ ચોમાસા અંગે પણ જે નકારાત્મક આગાહી થઈ છે તેના કારણે દેશમાં છુટક ફુગાવો વધશે તેવું હવે ખુદ સરકારે સ્વીકારી લીધુ છે અને હોર્મુઝ જળમાર્ગ બંધ હોવું એ સૌથી મોટુ કારણ દર્શાવ્યુ છે અને નાણામંત્રાલય દ્વારા આ અંગે જણાવાયું છે કે હાલમાં જે પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવવધારા થયા છે તે તબકકાવાર ટ્રાન્સપોર્ટ, ખાદ્યસંબંધી ઉત્પાદનો અને વિજઉત્પાદન તમામને મોંઘા બનાવશે અને તેથી આગામી સમયમાં છુટક ફુગાવાનું જોર વધી શકે છે. આમ અત્યાર સુધી ભાવ સપાટી કાબુમાં છે તેવા દાવા પછી સરકારે હવે મોંઘવારી આવી રહી છે તેવી જાહેરાત કરી દીધી છે અને જૂન માસમાં જ મોંઘવારીનો આંક પાંચ ટકાથી વધી જાય તો પણ આશ્ર્ચર્ય થશે નહી. સરકારે અત્યાર સુધીમાં ત્રણ તબકકામાં પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવ વધાર્યા છે અને હવે મુંબઈમાં આજથી પાઈપલાઈન મારફત પુરો પડાતો ગેસ પણ મોંઘો બન્યો છે જે અત્યાર સુધી ભાવવધારો થયો ન હતો. આમ તમામ પ્રકારના ગેસ મોંઘા થયા છે. હજુ તા.1થી વધુ એક વખત કોમર્શીયલ ગેસ સીલીન્ડરના ભાવ વધશે તે સંકેત છે અને તેની સાથોસાથ પેટ્રોલ-ડીઝલ પણ મોંઘુ બની શકે છે. સરકાર દાવો કરે છે કે ઓઈલ કંપનીઓ ઈંધણના વેચાણમાં રૂા.400 કરોડની ખોટ દર મહિને ભોગવે છે અને તેથી જ આ ભાવવધારો એ અધુરો છે. આમ સરકાર આગામી સપ્તાહમાં ફરી એક વખત ભાવ વધારો કરે તેવી ધારણા છે.