Jai Hind

બે કેન્દ્રીય મંત્રીઓ ભાજપના સંગઠનમાં ગયા, હજુ વધુને મોકલવાની તૈયારી તા.20 જૂન પહેલા મોદી કેબીનેટમાં મોટા ફેરફાર: ડઝનેક મંત્રીઓને વિદાયની તૈયારી

કેબીનેટ અને રાજયકક્ષામાં અનેક મંત્રીઓની વિદાય નિશ્ર્ચિત: નિતીન નબીન માટે ટીમ પસંદ કરવામાં સરળતા રહેશે

વડાપ્રધાન નાણાંવિભાગમાં વિદેશ વિભાગની જેમ કોઈ સક્ષમ અધિકારી નિયુક્ત કરી શકે છે

કેન્દ્રની મોદી સરકારના બે વર્ષ પુરા થઈ ગયા છે અને હવે આગામી વર્ષે યોજાનારી ગુજરાત સહિતના રાજયોની ધારાસભા ચુંટણીઓ તથા 2029માં યોજાનારી લોકસભા ચુંટણી પુર્વે મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા હવે આગળ વધી રહી છે તથા માનવામાં આવે છે કે આગામી 15 જૂનથી 20 જૂન સુધીમાં કેન્દ્રીય કેબીનેટમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે અને અંદાજે એકાદ ડઝન જેવા કેન્દ્રીય મંત્રીને પડતા મુકાશે અને નવા ચહેરા મંત્રીમંડળમાં સામેલ થશે. એક તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનની પણ નવી ટીમ બની રહી છે અને તે માટે પણ ભાજપ કેટલાક મંત્રીઓને સંગઠનમાં મોકલી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ જે રીતે દિલ્હીમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે હર્ષ મલ્હોત્રા તથા ઉતરપ્રદેશના પંકજ ચૌધરીને જવાબદારી સોંપાઈ છે તે સાથે કર્ણાટકમાં પણ હવે નવા પ્રદેશ પ્રમુખ નીમવાની તૈયારી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન હાલમાં જ કર્ણાટકના પ્રવાસે ગયા હતા અને તે પછી હવે 2028માં આવી રહેલી વિધાનસભા ચુંટણી પુર્વે ભાજપ પ્રદેશ પ્રમુખમાં ફેરફાર કરી શકે છે. હાલના પ્રદેશ પ્રમુખ બી.વાય.વિજયેન્દ્રએ રાજયના પુર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદુયીરપ્પાના પુત્ર છે અને તેમને 2028માં પક્ષનું નેતૃત્વ કરવાની તક મળે તેવી સંભાવના ઓછી છે અને તેથી કેન્દ્રમાંથી કોઈ સીનીયર મંત્રીઓને કર્ણાટક અને દક્ષિણના રાજયો માટે ખાસ જવાબદારી સોંપી શકાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટક પ્રદેશ ભાજપના પ્રમુખને કેન્દ્રીય કેબીનેટમાં લાવી શકાય છે અનેક મંત્રીઓની રાજયસભાની ટર્મ 2027ના પ્રારંભમાં પુરી થઈ રહી છે. આ ઉપરાંત 70 કે તેથી ઉપરના વયના મંત્રીઓને પણ હવે કેન્દ્રીય કેબીનેટમાંથી પડતા મુકીને યુવા ચહેરાને જવાબદારી સોંપી શકાય છે. ખાસ કરીને જેઓ સંગઠનમાંથી અનુભવ લઈને આવ્યા હોય તેઓને હવે મંત્રીમંડળમાં સમાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલ્વે, નાણા, કોર્પોરેટ બાબતો, કોલ, ટેકસટાઈલ, માહિતી પ્રસારણ, ઈલેકટ્રોનીક એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ગ્રામ્ય વિકાસ, ખાતર અને ફર્ટીલાઈઝર, સહકાર, ફીશરીઝ, જલશક્તિ, કૃષી, કાનુન વ્યવસ્થા જેવા મંત્રીઓમાં સેક્ધડ એટલે કે રાજયકક્ષા અને કેટલાકમાં કેબીનેટ કક્ષામાં પણ ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને ચર્ચા નાણામંત્રાલયની છે જેમાં નિર્મલા સીતારામનના સ્થાને કોઈ અર્થશાસ્ત્રીને આ વિભાગનું સુકાન સોંપી શકાય છે. વડાપ્રધાને જેમ વિદેશ મંત્રાલયમાં અનુભવી અધિકારીને સ્થાન આપ્યું છે તેવું નાણામંત્રાલયમાં થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી મોદી બ્યુરોકેટ પર વધુ ભરાસો ધરાવે છે અને તેથી તેમને વધુ મહત્વ અપાશે.