Jai Hind

મમતા સામે ખુલ્લો બળવો: 59 ધારાસભ્યો અલગ ચોકો!

કોલકતા ધરણામાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહેતા મમતા ચોંકયા

પશ્ર્ચિમ બંગાળમાં સતા ગુમાવ્યા બાદ પુર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલીઓ વધતી જાય છે અને ગઈકાલે તેઓએ રાજયમાં તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદો પર થતા હુમલાના વિરોધમાં ધરણા યોજયા તે સમયે પણ પક્ષના છ કે સાત ધારાસભ્યોની જ હાજરીથી મમતા બેનરજી ચોંકી ઉઠયા હતા તે સમયે જ આજે તૃણમુલ કોંગ્રેસમાં મોટા ભંગાણના સંકેત છે. હાલમાં જ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ઋતુ વ્રત બેનરજીએ દાવો કર્યો છે કે તૃણમુલ કોંગ્રેસના 80માંથી 59 ધારાસભ્યો તેમની સાથે છે અને તેઓ રાજય વિધાનસભામાં અધ્યક્ષને મળીને તૃણમુલ કોંગ્રેસથી અલગ બેઠક વ્યવસ્થા માટે માંગણી કરશે. ટીએમસીના આ ધારાસભ્યએ દાવો કર્યો છે કે તેમની પાસે આ 59 ધારાસભ્યોના ટેકાનો પત્ર છે જે અધ્યક્ષને સુપ્રત કરશે અને બાદમાં તેઓ અલગ બેઠક કરીને વિપક્ષના નેતાપદનો પણ દાવો કરશે. હાલ આ પદ પર તૃણમુલ કોંગ્રેસે હજુ કોઈ નિયુક્તિ કરી નથી. મમતા બેનરજી ચુંટણી હારી ગયા છે અને તેમના માટે હવે પક્ષને ટકાવવો મુશ્કેલ છે. તેઓએ તૃણમુલના 80માંથી 59 ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાવીને પક્ષમાં ભંગાણ પડયુ છે તેવુ ચિત્ર બનાવી ધારાસભામાં અલગથી મુખ્ય વિપક્ષ તરીકે કામ કરે તે વ્યુહ ગોઠવ્યો છે. ઋતુવ્રત બેનરજી મુળ ડાબેરી માર્કસવાદી-સામ્યવાદી પક્ષમાં હતા અને 2017માં તેઓને પક્ષમાંથી દુર કરાયા બાદ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ ડાબેરી પક્ષના રાજયસભાના સભ્ય પણ હતા અને મમતાએ તેમને ફરી દોઢ વર્ષ માટે રાજયસભામાં નિયુક્ત કર્યા હતા અને બાદમાં તેઓ વિધાનસભામાં ચુંટાયા છે. ઋતુવ્રત બેનરજીએ પક્ષમાં સીગ્નેચર કૌભાંડનો મુદો ઉઠાવીને તેમણે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આમ મમતા બેનરજી માટે હવે મુશ્કેલી વધી છે.

પશ્ર્ચિમ બંગાળમાં મહારાષ્ટ્ર ફોર્મ્યુલા
શિવસેના અને એનસીપીમાં ભંગાણ પડયું તેવી સ્થિતિ તૃણમુલ કોંગ્રેસમાં પણ સર્જાવાની તૈયારી

નવી દિલ્હી તા.3
પશ્ર્ચિમ બંગાળમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સતા મેળવ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં જે રીતે વિપક્ષી ગઢમાં ગાબડા પડયા અને શિવસેના તથા એનસીપીના બે જૂથ અલગ થઈ ગયા તેવી જ પરીસ્થિતિ પશ્ર્ચિમ બંગાળમાં બની રહી હોવાના સંકેત છે અને ચુંટણીમાં પરાજય બાદ મમતા બેનરજી અને તેના ભત્રીજા અભિષેક બેનરજીની સામે હવે પક્ષના સાંસદો અને ધારાસભ્યો ખુલ્લેઆમ બોલવા લાગ્યા છે. ગઈકાલના ધરણામાં 20 ધારાસભ્યો અને છ સાંસદો જ હાજર હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં બે જૂથો અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવી અને હવે મહાયુતીની રચના કરી છે.
પશ્ર્ચિમ બંગાળમાં આ જ રીતે મમતા સામે બળવો કરનાર જૂથ હવે અલગ ચોંકો રચવા તૈયાર હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને અભિષેક બેનરજી સામે તૃણમુલ કોંગ્રેસમાં સૌથી વધુ વિરોધ છે અને મમતાએ જે રીતે તેના ભત્રીજાને પ્રમોટ કર્યા છે તેની સામે પક્ષમાં અગાઉ પણ અસંતોષ દેખાયો હતો.