બંદૃૂકધારીઓએ કરેલા હુમલામાં દૃંપતિ સહિત ૫ લોકોના મોત
ઇમ્ફાલ, તા. 5. : મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે સવારે એક કૂકી-ઝો ગામ પર અજાણ્યાં બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલાં ભીષણ હુમલામાં એક દંપતી સહિત 5 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. આ હિંસક ઘટનાને પગલે રાજ્યનાં પહાડી વિસ્તારોમાં ફરી એકવાર ભારે તણાવ વ્યાપી ગયો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, કાંગપોકપીના લોઈબોલ ખુલ્લેન ગામમાં સવારે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જ્યાંથી પોલીસ તંત્રને ત્રણ નાગરિકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. સ્થાનિક કૂકી-ઝો જૂથોએ મૃતકોની ઓળખ 34 વર્ષીય લેતખોંગામ હાઓકીપ, તેમની 30 વર્ષીય પત્ની તિનમેરી હાઓકીપ અને અન્ય એક ગ્રામજન જંગમીનલાન હાઓકીપ તરીકે કરી છે. હુમલાખોરો માત્ર હત્યા કરીને જ નહોતાં અટક્યા, પરંતુ તેમણે ગામનાં સાત ઘરોને પણ આગ ચાંપી હતી, જેને કારણે મોટું નુકસાન થયું છે.આ લોહિયાળ હુમલા બાદ સ્થાનિક કૂકી-ઝો જૂથોએ આક્ષેપ કર્યો છે કે આ ઘટના પાછળ નાગા સશસ્ત્ર જૂથોનો હાથ છે.