ભારતમાં નૈઋત્ય ચોમાસાના આગમન સાથે તે પૂરપાટ આગળ ધપી રહ્યું છે. જ્યારે ઉતરીય ભાગોમાં આંધી વરસાદનો કહેર છે. દિલ્હીમાં 70 કિલોમીટરની ઝડપે આંધી ફુંકાતા એરપોર્ટ પર એર ઇન્ડિયાના ત્રણ વિમાનો ક્ષતિગ્રસ્ત થયા હતા અને ઓપરેશનમાંથી હટાવી દેવાયા છે.
પાટનગર દિલ્હીમાં સાંજે અચાનક 70 કિમીની ઝડપના પવન સાથે આંધી ફુંકઇ હતી. આ વખતે દિલ્હી એરપોર્ટના ટર્મીનલ નંબર-2માં એર ઇન્ડિયાના વિમાનો પાર્ક થયેલા હતા. વિમાનોની બાજુમાં ગ્રાઉન્ડ સપોર્ટ ઉપકરણો હતો જે આંધીમાં ફંગોળાયા હતા અને વિમાનો સાથે ટકરાઇ ગયા હતા. ત્રણ વિમાન ક્ષતિગ્રસ્ત બન્યા હતા. સુરક્ષા કારણોસર તેઓને હટાવી દેવાયા હતા. એરપોર્ટ સૂત્રોએ કહ્યું કે અચાનક હવામાન પલ્ટા તથા આંધી વિશે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા કોઇ આગોતરી ચેતવણી જારી કરવામાં આવી ન હતી એટલે ગ્રાઉન્ડ સ્ટાફને પૂર્વતૈયારીને કોઇ મોકો જ મળ્યો ન હતો. ઉપકરણો તેજ હવામાં ફંગોળાવા લાગ્યા હતા. ઉપકરણો લોક હતા છતાં લોક પણ તૂટી ગયા હતા.