સુપ્રિમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇને નિર્દેશ આપ્યો છે કે ધોરણ 12ની ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે અસરકારક પગલાં ઉઠાવો, ભલે તેના માટે રાત-દિવસ મહેનત કેમ ન કરવી પડે. જસ્ટિસ મનમોહન અને વિજય બિશ્ર્નોઇની બેન્ચે સાઉદી અરબના એક વિદેશી છાત્રની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. છાત્રે સીબીએસઇને પોતાના 12મા ધોરણની ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવા નિર્દેશ આપવાની માંગ કરી હતી. જેથી કોર્ટે બોર્ડને ઓર્ડર જાહેર કર્યો છે.
કોર્ટે સીબીએસઇને કહ્યું હતું કે તે શુક્રવાર સુધીમાં કોઇ રસ્તો કાઢે જેથી અરજદાર અને તેના જેવી સ્થિતિવાળા બીજા છાત્રોના હિતોની રક્ષા થઇ શકે. બોર્ડના વકીલે અરજીનો જવાબ આપવા માટે સમય માગ્યો હતો પરંતુ બેન્ચે તે માંગ ઠુકરાવી દીધી હતી અને મામલાની સુનાવણી માટે 12 જુનની તારીખ નકકી કરી હતી. બેન્ચે ટકોર કરી હતી કે જો જરૂર પડે તો રાત-દિવસ કામ કરો પણ શુક્રવાર સુધીમાં આ કામ પુરું કરો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે પરિણામ જાહેર ન થવાના કારણે છાત્રોની એકેડેમિક કેરિયર પર ખરાબ અસર પડી છે કારણ કે તેમણે યુનિવર્સિટીમાં એડમિશન માટે અગાઉથી જ અરજી કરી દીધી છે અને રિઝલ્ટ જાહેર ન થવાથી તેઓ એડમિશનની પ્રક્રિયા પૂરી કરવા તરફથી વંચિત રહી જશે.