Jai Hind

રેરા હેઠળ ઘર ખરીદદારોને મોટી રાહત ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટ) દ્વારા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત ઘર ખરીદદારોના પક્ષમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બિલ્ડર દ્વારા ફ્લેટનો કબજો આપવામાં વિલંબ થાય, તો ખરીદદારો દર મહિને વ્યાજ મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે અને આ નિર્ણયથી વર્ષોથી પોતાનાં સપનાના ઘરની રાહ જોઈ રહેલાં અસંખ્ય પરિવારોને બહુ મોટી રાહત મળશે.
ન્યાયાધીશ માધવ જામદારની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતાં નોંધ્યું હતું કે રેરા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઘર ખરીદનારાઓની મુશ્કેલીઓ દૂર કરવાનો તથા બાંધકામ ક્ષેત્રે થતાં વિલંબને રોકીને પારદર્શિતા લાવવાનો છે, તેથી બિલ્ડરો પ્રોજેક્ટમાં વર્ષો સુધી વિલંબ કરીને કાયદાકીય અસરો અને વ્યાજ ચૂકવવામાંથી મુક્તિ મેળવી શકે નહીં અને જે ખરીદદારો પ્રોજેક્ટમાં વિલંબ થવા છતાં પણ તેની સાથે જોડાયેલાં રહે છે,
તેમને વાસ્તવિક કબજો ન મળે ત્યાં સુધી દર મહિનાના વિલંબ માટે બિલ્ડરે બિનશરતી વ્યાજ ચૂકવવું જ પડશે.
આ સમગ્ર મામલો મુંબઈનાં મુલુંડ વિસ્તારનાં એક હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે, જેમાં 10 ખરીદદારોએ વર્ષ 2006 થી 2007 દરમિયાન ફ્લેટ બુક કરાવ્યાં હોવા છતાં લાંબા સમય સુધી કબજો ન મળતાં વર્ષ 2018માં રેરા એપેલેટ ટ્રિબ્યુનલે બિલ્ડરને ફેબ્રુઆરી 2014થી લઈને વાસ્તવિક કબજો સોંપવામાં આવે ત્યાં સુધી વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો હતો, જેને બિલ્ડરે હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ ઉચ્ચ ન્યાયાલયે ટ્રિબ્યુનલના નિર્ણયને યોગ્ય ઠેરવીને બિલ્ડરની અરજી ફગાવી દીધી છે.