Jai Hind

વિશ્ર્વનો સૌથી મોટો સ્પેસ-એક્સનો આઇપીઓ ખુલતા પૂર્વે જ ત્રણ ગણો છલકાઇ ગયો

એલન મસ્કના પાર્ટનર બનવા રોકાણકારો તુટી પડયાં

વિશ્વનાં સૌથી ધનાઢ્ય બિઝનેસમેન એલન મસ્કની અંતરિક્ષ સંશોધન કંપની ’સ્પેસ-એક્સ’ ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ લાવવા જઈ રહી છે, જેને લઈને વૈશ્વિક રોકાણકારોમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કંપનીએ આ પબ્લિક ઈશ્યૂ દ્વારા 75 બિલિયન ડોલર અંદાજે 6.25 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તેની સામે અત્યારથી જ 250 બિલિયન ડોલરથી પણ વધુ રકમની ડિમાન્ડ આવી ગઈ છે. રોયટર્સના અહેવાલ મુજબ, આ આઈપીઓ તેનાં નક્કી કરેલાં કદ કરતાં સાડા ત્રણથી ચાર ગણો ઓવરચાજ્ર્ડ એટલે કે ઓવરસબ્સ્ક્રાઇબ્ડ થઈ ચૂક્યો છે, જે બજારમાં કંપનીની મજબૂત શાખ અને એલન મસ્કની લોકપ્રિયતા દર્શાવે છે.
આ મેગા આઈપીઓ માટે સ્પેસ-એક્સે સામાન્ય ટ્રેન્ડથી હટીને પ્રાઇસ બેન્ડ રાખવાને બદલે 135 ડોલર પ્રતિ શેરની ફિક્સ પ્રાઇસ નક્કી કરી છે, જેના અંતર્ગત કંપની આશરે 55.56 કરોડ શેર્સ વેચવા જઈ રહી છે. આ કિંમતનાં આધારે સ્પેસ-એક્સનું કુલ વેલ્યુએશન 1.75 ટ્રિલિયનથી 1.77 ટ્રિલિયન ડોલરની વચ્ચે આંકવામાં આવ્યું છે. આગામી 12 જૂને અમેરિકી શેરબજાર નેસ્ડેક પર ‘જઙઈડ’ ટીકર સિમ્બોલ હેઠળ લિસ્ટ થતાંની સાથે જ સ્પેસ-એક્સ વિશ્વની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ જશે અને પોતાની જ સિસ્ટર ક્ધસર્ન કંપની ‘ટેસ્લા’ને પાછળ છોડીને સાતમાં ક્રમની સૌથી મોટી વૈશ્વિક કંપની બની જશે.
રોકાણની પેટર્નની વાત કરીએ તો, સામાન્ય રીતે મોટા આઈપીઓમાં નાના રોકાણકારો માટે 5 થી 10 ટકા હિસ્સો જ ફાળવવામાં આવતો હોય છે, પરંતુ એલન મસ્કે આ આઈપીઓનો અંદાજે 30 ટકા જેટલો મોટો હિસ્સો સામાન્ય એટલે કે રીટેલ રોકાણકારો માટે અનામત રાખ્યો છે. વૈશ્વિક સ્તરે રોકાણકારો ચાર્લ્સ શ્વાબ, ફિડેલિટી, રોબિનહુડ અને સોફાઈ જેવા પસંદગીના બ્રોકર્સ દ્વારા આમાં ભાગ લઈ રહ્યાં છે.
જોકે, આઈપીઓ દ્વારા મોટું ભંડોળ મેળવ્યાં બાદ પણ કંપની પર એલન મસ્કનું જ સંપૂર્ણ નિયંત્રણ રહેશે, કારણ કે તેઓ પોતાનાં સ્તરે કંપનીનાં આશરે 85 ટકા જેટલા મોટા વોટિંગ પાવર સુરક્ષિત રાખવાનાં છે.