Jai Hind

ઘરેલુ કામકાજ કરતા મહિલાઓ ફકત હોમમેકર નહી પણ નેશનલ બિલ્ડર પણ ગણી શકાય

અકસ્માતમાં ગૃહિણીના મૃત્યુ પર મહિને રૂા.30 હજારની આવક ગણતરી મુજબ વળતર નકકી થશે: સુપ્રીમ

પ્રથમ વખત સર્વોચ્ચઅદાલતે ગૃહિણીઓની ભૂમિકા અને તેના કામકાજનું આર્થિક મૂલ્ય નિશ્ર્ચિત કર્યુ: દુર્ઘટના સમયે ગૃહિણીના મોત પર વળતર દાવામાં સ્પષ્ટતા

ઘરેલુ દેખભાળ નુકશાન એટલે કે ડોમેસ્ટીક કેર લોશની ગણતરી કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ: દેશભરમાં દુરગામી અસર કરતો ચુકાદો

સુપ્રીમકોર્ટે એક દુરગામી અસરકર્તા ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ ગૃહિણીનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના પર દર મહિને રૂા.30 હજારની આવક તે મેળવે છે તે ગણતરી કરીને અકસ્માત વળતર નકકી થશે. સામાન્ય રીતે ઘરેલુ કામકાજ એટલે કે ગૃહિણી તરીકે કામકાજ કરતા મહિલાઓ પોતાની કોઈ સીધી આવક ધરાવતા નથી અને તેથી અકસ્માત વળતર સમયે કેટલુ વળતર ચુકવાય તે સતત કાનુની વિવાદ રહ્યો છે તે સમયે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગૃહિણીનું યોગદાન ફકત પરિવાર પુરતુ મર્યાદીત નથી પરંતુ તે માનવ સંસાધન અને રાષ્ટ્ર નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેથી તેને હોમ મેકરને બદલે નેશનલ બિલ્ડર પણ કહી શકાય. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે જયારે કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેની કમાણી શું હતી તેના આધારે વળતર નકકી થાય છે પણ ગૃહિણીઓની કોઈ કમાણી હોતી નથી તેથી તેના અકસ્માત વળતર અંગે વિસંવાદીતા છે પણ તે જે યોગદાન આપે છે તે જોવાવુ જોઈએ. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યુ કે ગૃહિણી દ્વારા કરવામાં આવેલા ઘરેલુ કામકાજ અને પરિવારની જે દેખભાળ રાખે છે તેનુ આર્થિક મૂલ્ય ને નજર અંદાજ કરી શકાય નહી. સર્વોચ્ચ અદાલતે ગૃહિણીઓના દુર્ઘટનામાં થતા મૃત્યુ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી જેમા હોમમેકરના મૃત્યુ પર દર મહિને રૂા.30 હજારના હિસાબથી અકસ્માત વળતર નકકી થશે. જસ્ટીસ સંજય કરોલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે ગૃહિણી ઘરના કામકાજ કરે છે અને પરિવારની જે સંભાળ રાખે છે તે સમયે જો તેનું અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવાર આ પ્રકારની સેવાથી વંચિત રહી જાય છે તેને ઘરેલુ દેખભાળ નુકશાન એટલે કે લોસ ઓફ ડોમેસ્ટીક કેર તરીકે જોવા જોઈએ જેમાં મહિને રૂા.30 હજાર પ્રતિ માસના હિસાબે ગણતરી થશે. આ ઉપરાંત અગાઉ જે સર્વોચ્ચ અદાલતે માપદંડ નકકી કર્યા છે તે ઉપરાંત આ નવો સિદ્ધાંત અમલી બનશે. સુપ્રીમકોર્ટે આ અંગે તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ પ્રકારના કેસોનું ખાસ મોનેટરીંગ કરવા અને અકસ્માત અંગેના દાવાઓની ઝડપી અને સમયબદ્ધ રીતે નિકાલ થાય તે પણ જોવા જણાવ્યું છે. સુપ્રીમકોર્ટે ખાસ કહ્યું કે મોટર વ્હીકલ એકટની ધારા 169 હેઠળ સંક્ષિપ્ત પ્રક્રિયાનું પાલન પુરી રીતે થવું જોઈએ જેનાથી પીડિત અને તેના પરિવારને ઝડપથી ન્યાય મળે, સુપ્રીમકોર્ટનો આ ચુકાદો ગૃહિણીઓને અવૈતનિક ઘરેલુ શ્રમના કાનુન અને આર્થિક માન્યતા દેવા સંબંધમાં મોટુ કદમ ગણવામાં આવે છે.