ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજયોમાં વર્ષના અંતે જ વિધાનસભા ચુંટણી!

આગામી વર્ષના પ્રારંભે જ વસ્તીગણતરીની મહાકવાયત શરૂ થાય તે પુર્વે વિધાનસભા ચુંટણીઓ પુરી કરવાનો સંકેત

દિલ્હીમાંથી સંકેત: વસ્તીગણતરીના કામમાં વહીવટીતંત્ર પુરૂ વ્યસ્ત થઈ જાય તે પુર્વે ફેબ્રુઆરી-માર્ચમાં ડયુ થનાર વિધાનસભા ચૂંટણીઓ યોજી લેવા તૈયારી

આગામી વર્ષના પ્રારંભમાં જે રાજયોની ધારાસભા ચુંટણીઓ યોજાવાની છે તે આ વર્ષના અંત પુર્વે યોજાઈ તેવા સંકેત છે અને આ માટે ભારતીય જનતા પક્ષે ગ્રાઉન્ડ વર્ક પણ શરુ કર્યુ છે. 2027ના પ્રારંભે દેશમાં મહત્વના ઉતરપ્રદેશ ઉપરાંત પંજાબ, ગોવા, મણીપુર, ઉતરાખંડમાં ચુંટણીઓ ફેબ્રુ-માર્ચ માસમાં ડયુ છે અને વર્ષના અંતે હિમાચલપ્રદેશ તથા ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ધારાસભા ચુંટણીઓ યોજાવાની છે પરંતુ જે રીતે 2027ના પ્રારંભથી જ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરુ થશે અને તેમાં દરેક રાજયોમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ અને શિક્ષકો વસ્તી ગણતરીના કામમાં 2027ના છ માસ સુધી વ્યસ્ત રહેશે અને તેથી આ સમય દરમ્યાન ધારાસભા ચુંટણીઓ યોજવી તે વહીવટીતંત્ર માટે મુશ્કેલ બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબ સિવાયના રાજયોમાં ભાજપની સરકાર છે અને પંજાબને પણ સંકેત આપી દેવાયો છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં ધારાસભા ચુંટણીઓ યોજાઈ શકે છે. હાલમાં જ પંજાબના શાસક આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું હતું કે પંજાબમાં વહેલી ચુંટણી યોજાઈ શકે છે. આમ હવે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ચોમાસાની સીઝન પુરી થતા જ વિધાનસભા ચુંટણીઓની જાહેરાત થઈ શકે છે. બીજી તરફ ભાજપે ઉતરપ્રદેશ સહિતના એકમોને ચુંટણી માટે તૈયાર રહેવા એકશનમાં મુકી દીધા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન હાલ એક બાદ એક એવા રાજયના ચુંટણી પ્રવાસે છે જયાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચુંટણીઓ યોજાઈ શકે છે.
ઉતરાખંડમાં તેઓ 20 દિવસમાં બીજી વખત પ્રવાસે પહોંચ્યા છે તો આમ આદમી પાર્ટીએ પણ ચુંટણીની તૈયારી વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા વર્ષે મતગણતરી શરુ થાય તે પુર્વે જ ચુંટણીઓ યોજી લેવા કેન્દ્ર સરકારે ચુંટણીપંચ સાથે પણ પ્રારંભીક વાતચીત શરુ કરી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ