સોના-ચાંદીમાં કડાકા: ક્રુડ તૂટયુ: શેરબજારમાં સતત તેજી

વાયદામાં સોનુ 3200 તથા ચાંદી 8200 ગગડયા: ડોલર સામે રૂપિયા વધુ 26 પૈસા ઉંચકાયો

અમેરિકા ઈરાન વચ્ચેનું યુધ્ધ સમાપ્ત થવા ઉપરાંત સમજુતી થઈ જવાના પગલે શેરબજાર સહિતના માર્કેટોમાં પોઝીટીવ ઈફેકટ વર્તાઈ રહી છે તેવા સમયે આજે સોના ચાંદીમાં ગાબડા પડયા હતા. ક્રુડ તેલ વધુ દબાયુ હતું જયારે શેર બજારમાં તેજીની આગેકૂચ યથાવત હતી. ડોલર સામે રૂપિયો પણ વધુ ઉંચકાયો હતો.
શેરબજારમાં આજે બપોર સુધી બેતરફી વધઘટ રહી હતી. અમેરિકા ઈરાન વચ્ચે સમજુતિ કરાર થઈ ગયાના રીપોર્ટથી રાહત હતી છતા ચોમાસાને કારણે ખચકાટ પ્રવર્તતો હતો. બપોરથી નવેસરથી લેવાલીનો દૌર શરૂ થતા માર્કેટ ફરી તેજીના માર્ગે દોડવા લાગ્યુ હતું. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે મધ્ય પૂર્વની શાંતિથી હવે સપ્લાય અને મોંઘવારી એમ બન્ને મોરચે રાહત મળશે. અર્થતંત્ર ફરી ધમધમવા લાગવાનો આશાવાદ છે. વિદેશી નાણા સંસ્થાઓ પણ નવેસરથી ખરીદી માટે આવે તેવા આશાવાદથી તેજીને ટેકો મળ્યો હતો. ક્રુડની નબળાઈથી આયાત ડીલ નીચુ આવવાની ગણતરી રાખવામાં આવતી હતી. એક માત્ર ચોમાસા વિશેની સાવચેતી સિવાય માર્કેટ માટે અન્ય પરિબળો તેજીના બની ગયા છે. શેરબજારમાં આજે નાયકા, મેકસ હેલ્થકેર, અદાણી પાવર, એચડીએફસી બેંક, બીએસઈ, વોડા ફોન, યશ બેંક, વેલ્સપન, પતંજલી, ટાટા કેપીટલ જેવા શેરોમાં ઉછાળો હતો. ઈન્ફોસીસ પેટીએમ, રીલાયન્સ, વારી એનર્જી જેવામાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 311 પોઈન્ટ વધીને 77460 હતો. અને નીચામાં 76953 તથા ઉંચામાં 77492 હતો. નીફટી 92 પોઈન્ટ વધીને 24177 હતો. જે ઉંચામાં 24183 તથા નીચામાં 24036 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત વધતો રહ્યો હતો. આજે વધુ 26 પૈસા વધીને 94.28 હતો. બીજી તરફ સોના ચાંદીમાં કડાકો સર્જાયો હતો. સોનું વાયદામાં 3200 રૂપિયાના કડાકાથી 1,50,670 હતું. જયારે ચાંદી વાયદામાં 8200 રૂપિયા ઘટીને 2,43,600 હતી. હાજર સોનુ 1,53,700 તથા હાજર ચાંદી 2,50,400 હતી.
ક્રુડ તેલ સતત ઘટતુ રહ્યું હતું. ડબલ્યુટીઆઈ ક્રુડ 74.75 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 77.96 ડોલર હતું.

રિલેટેડ ન્યૂઝ