બે રાજ્યોમાં કુદરતનો પ્રકોપ
સફરજનના બગીચા, મકાનો, રસ્તાઓન્ો નુકસાન: ૩ લોકો લાપત્તા
દેશનાં બે પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલના કિન્નોરમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, તો બીજી તરફ અરુણાચલ પ્રદેશના કેયી પન્યોર જિલ્લામાં મુસળધાર વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. આ બંને ઘટનાઓએ પહાડી વિસ્તારોમાં મોટા પાયે આર્થિક અને માળખાકીય નુકસાન પહોંચાડ્યું છે.
હિમાચલ પ્રદેશનાં આદિવાસી જિલ્લા કિન્નોરના નિચાર બ્લોક હેઠળનાં કાચરંગ વિસ્તારમાં મોડી રાત્રે આશરે 3 વાગ્યે વાદળ ફાટવાને કારણે કાચરંગ નાળામાં ભયાનક પૂર આવ્યું હતું. પૂરનાં તીવ્ર પ્રવાહને કારણે સ્થાનિક રસ્તાઓ અને માર્ગ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
પૂરનાં કાટમાળ અને કાદવને કારણે સ્થાનિક સફરજનના બગીચાઓ ધોવાઈ ગયાં છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે, સદનસીબે પૂરનો પ્રવાહ રહેણાંક વિસ્તાર તરફ ન વળતાં કોઈ જાનહાનિ થઈ નથી.
બીજી તરફ, પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશનાં કેયી પન્યોર જિલ્લામાં આજે સવારે સતત થયેલાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. યાજાલી સર્કલ હેઠળ નીપકો પ્રોજેક્ટ કોલોની નજીક સુરક્ષા દીવાલ ધરાશાયી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં.
