Jai Hind

કેન્દ્રીય કેબીનેટની પુન:રચના પુર્વે દિલ્હીમાં ચર્ચાએ જોર પકડયું 6 કેન્દ્રીય મંત્રીઓ મોદીના હિટલીસ્ટમાં: પત્તા કપાવવાનું નકકી

ધર્મેન્દ્ર પ્રધાનનો ભોગ નીટ લેશે: હરદીપપુરી એપસ્ટીન ફાઈલમાં ફસાયા હતા: રવનીત બિટ્ટુને પંજાબમાં ડયુટી સોંપવાના નામે વિદાય અપાશે

કેન્દ્રની મોદી સરકારના વિસ્તરણની ચર્ચા જોરશોરથી છે અને તેમાં જે છ મંત્રીઓને પડતા મુકાવાના છે તેના નામ રાજકીય વર્તુળોમાં ચગી રહ્યા છે અને તેમાં સૌપ્રથમ નામ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું છે. ઓડિસાના આ સાંસદ 12 વર્ષથી મોદી સરકારમાં છે તથા પેટ્રોલિયમ બાદમાં શિક્ષણમંત્રાલય સંભાળી રહ્યા છે. પરંતુ હાલમાં નીટ સહિતના જે ભગા થયા તેના કારણે ધર્મેન્દ્ર પ્રધાન ટાર્ગેટ પર છે અને તેથી તેને નીતીન નબીન ટીમમાં રાષ્ટ્રીય મહામંત્રી કે તેવો હોદો આપીને સરળતાથી કેબીનેટમાંથી દુર કરાશે તો બીજુ નામ પુર્વ ઈન્ડીયન ફોરેન સર્વિસના અધિકારી તથા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું છે. તેઓ 2017થી કેન્દ્રીય મંત્રી છે અને હાલ પેટ્રોલિયમ વિભાગ સંભાળે છે. તેમની ઉંમર પણ 75 વર્ષથી ઉપર થઈ રહી છે. તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત હતા તે સમયે એપસ્ટીન ફાઈલમાં પણ તેમનું નામ ચગ્યુ હતું.
અન્ય નામમાં પંજાબના પુર્વ મુખ્યમંત્રી બીયંતસિંહના પૌત્ર રવનીતસિંહ બિટ્ટુ છે. તેઓ અગાઉ કોંગ્રેસમાંથી સાંસદ હતા. બાદમાં 2024માં ભાજપમાં જોડાયા. રાજયસભાના સભ્ય છે, પરંતુ હાલમાં તેમની ટર્મ પુરી થઈ છે અને ભાજપે રિપીટ કર્યા નથી.
17 વર્ષથી સાંસદ રહેલા બિટ્ટુને પંજાબમાં ચુંટણી સમયે ભાજપ જવાબદારી સોંપી શકે છે. આ જ રીતે અન્ય બે મંત્રીઓ પંકજ ચૌધરી તથા હર્ષ મલ્હોત્રા એ અનુક્રમે ઉતરપ્રદેશ અને દિલ્હીના ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે તેથી તેમને મંત્રીમંડળમાંથી મુક્ત કરાશે. જયારે જયોર્જ કુરીયન કે જેઓ અલ્પસંખ્યક વિભાગોના મંત્રી હતા. તેઓની રાજયસભાની મુદત પુરી થતા ફરી ટિકીટ અપાઈ નથી અને તેથી જ તેઓએ રાજીનામુ આપી દીધુ છે.