Jai Hind

સરકાર હવે ઈકોનોમીનું ChatGPT તૈયાર કરશે અર્થતંત્રના તમામ પ્રશ્ર્નોના જવાબ મળશે

અર્થતંત્રના અલગ અલગ સ્ત્રોતથી આવી રહેલા ડેટાથી વિરોધાભાસ સર્જાય છે

દેશના લોકોને સતાવાર આંકડા મળી શકે તે માટે તૈયારી: સરકારના તમામ વિભાગો તથા યોજનાઓની આંકડાકીય માહિતી ઉપલબ્ધ બનશે

હાલના ઈરાન યુદ્ધ સહિતના કારણે દેશની આર્થિક હાલત અને ઈકોનોમીના ડેટા અંગે અનેક સ્ત્રોત તરફથી અહેવાલો આવી રહ્યા છે તે વચ્ચે સરકારે ખુદે ઈકોનોમીના ડેટાનું એક આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ ટુલ તૈયાર કરવા નિર્ણય લીધો છે અને તે દેશના અર્થતંત્ર અંગેના તમામ પ્રશ્ર્નોના સતાવાર ડેટા સાથે જવાબ આપશે. જેને રસપ્રદ રીતે ભારતનું આર્થિક ચેટ જીપીટી તરીકે ગણાવાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય આ પ્રકારે કોમન ડેટા પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે અને તે દેશની મોટાભાગની ભાષામાં ઉપલબ્ધ બનશે અને તે ડીજીટલ રીતે દરેક વ્યક્તિ એસએસ કરી શકશે. તમામ મંત્રાલયો, વિભાગોના ડેટાને તેમાં સ્ટોર કરવામાં આવશે. જેના કારણે સરકારના કોઈપણ કાર્યક્રમ અંગેના સતાવાર આંકડા અને માહિતી મળી રહેશે.
જેમાં આર્થિક ડેટાને મહત્વ અપાશે અને આ રીતે સરકારી ડેટાનું પ્લેટફોર્મ તૈયાર કરનાર ભારત પ્રથમ દેશ હશે. સરકાર માને છે કે અર્થતંત્ર અંગેના વાસ્તવિક આંકડાઓ લોકો સુધી ઉપલબ્ધ બનતા નથી. અર્થશાસ્ત્રીઓ પોતાની રીતે તેને મુલવી રહ્યા છે અને તેના કારણે દેશના અર્થતંત્રનું સાચુ ચિત્ર બહાર આવતુ નથી અને અનેક પ્રશ્ર્નો પણ સર્જાય છે તેથી સરકાર હવે ખુદનું ચેટ જીપીટી ટાઈપનું એક ટુલ લાવશે તે દરેક પ્રશ્ર્નના જવાબ આપશે જેમાં જીપીટી અંગેના પ્રશ્ર્નો ઉપરાંત રાષ્ટ્રીય સરેરાશ આવક, લોકોની બચત, દેશમાં મુડીરોકાણ તથા તમામ અન્ય માહિતી ઉપલબ્ધ હશે તે ડાઉનલોડ પણ કરી શકાશે. આ માટે ચેન્નઈ સ્થિત આઈટી અને ડીઝીટલ સર્વિસ બીટીસીને કામ સોંપવામાં આવ્યું છે અને તે આ ડેટા અપડેટ પણ કરશે.