Jai Hind

સુપ્રીમ કોર્ટે એઆઇને ગણાવ્યું ‘વિનાશકારી: ન્યાય પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ અનિવાર્ય

એનસીએલટીના ચુકાદૃામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવાયેલાં નકલી કાન્ાૂની ઉદૃાહરણોનો ઉપયોગ થતાં કોર્ટે વ્યક્ત કરી ચિંતા

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના અનિયંત્રિત ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ના એક ચુકાદાને રદ કરતાં કોર્ટે નોંધ્યું કે, આ ફેંસલામાં એઆઈ દ્વારા તૈયાર કરાયેલા તદ્દન નકલી અને કાલ્પનિક કાનૂની ઉદાહરણોનો સહારો લેવામાં આવ્યો હતો જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતાં. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ન્યાય પ્રણાલીના દરેક સ્તરે માનવીય હસ્તક્ષેપ અને નિયંત્રણ હોવું અત્યંત અનિવાર્ય છે, નહિતર આ ટેકનોલોજી ન્યાયની આખી પ્રક્રિયાને દૂષિત કરી નાખશે.
અદાલતે એઆઈના આવા ખોટા અને ભ્રામક ઉપયોગની સરખામણી ભોપાલ ગેસ દુર્ઘટનાના કુખ્યાત અને ઝેરી ગેસ ’મિથાઈલ આઈસોસાઈનેટ’ સાથે કરી છે. કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, કાનૂની બાબતોમાં આવી નકલી સામગ્રી રજૂ કરવી એ ન્યાયનાં ક્ષેત્રમાં ઝેરી ગેસ છોડવા સમાન છે, જે અદ્રશ્ય રહીને ન્યાયિક નિર્ણયોના આત્માને જ ખતમ કરી નાખે છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે એઆઈના પરિણામો ભલે આપણું કામ સરળ બનાવતાં હોય, પરંતુ જો તેનાં પર કોઈ અંકુશ રાખવામાં નહીં આવે તો તે ખૂબ જ ટૂંક સમયમાં માણસોને પોતાનાં ગુલામ બનાવી દેશે.
આ સમગ્ર વિવાદ એસેલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ કંપની સાથે જોડાયેલાં બેંક લોન અને નાદારીના એક કેસમાંથી ઊભો થયો હતો. જો કે, અદાલતે એ વાતનો સ્વીકાર કર્યો છે કે આધુનિક દુનિયામાં કામનું ભારણ ઓછું કરવા માટે અઈં એક મદદગાર સાધન ચોક્કસ બની શકે છે, પરંતુ અંતિમ ફેંસલો સંભળાવવાની તાકાત સંપૂર્ણપણે મનુષ્યના હાથમાં જ રહેવી જોઈએ. આથી જ સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલના એ આદેશને રદ કરીને હવે સાચા તથ્યો અને અસલી પુરાવાઓના આધારે ફરીથી આ કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.