મુંબઇ, પુના, રાયગઢ, પાલઘર માટે 48 કલાક ‘ભારે’: હવામાન વિભાગનું રેડ એલર્ટ

ચોમાસાની સક્રિયતા વચ્ચે બંગાળની ખાડીમાં ઉદભવેલા લો-પ્રેસરના કારણે વરસાદ વધુ આફતરૂપ બનવા લાગ્યો હોય તેમ મહારાષ્ટ્રના મુંબઇ, પુના, રાયગઢ, પાલઘર જેવા ભાગોમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આવતા 48 કલાક આ ક્ષેત્રો માટે ભારે હોવાની ચેતવણી હવામાન નિષ્ણાંત દ્વારા આપવામાં આવી છે. સાથોસાથ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગના વિજ્ઞાની બિક્રમ સિંઘે જણાવ્યું હતું કે, મુંબઇના અનેક ભાગોમાં અતિ ભારે વરસાદ પડયો હતો ત્યારે અમુક સ્થળોએ અને ઘાટ ક્ષેત્રોમાં અતિ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. પુના, રાયગઢ અને પાલઘર ક્ષેત્રોમાં પણ વધુ ભારે વરસાદ વરસ્યો હતો. લોનાવાલામાં 670 મીમી પાણી વરસી ગયું હતું. આ ક્ષેત્રો માટે આવતા ર4 થી 48 કલાક માટે ફરી વખત રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
નાસિક માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આ ક્ષેત્રો માટે આવતા 48 કલાક ભારે છે. કોકણ ક્ષેત્રમાં ઓરેન્ટ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મુંબઇમાં રવિવારે જ 3પ0થી વધુ ઝાડ ધરાશાયી થયા હતા. છેલ્લા દિવસોમાં 800થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. સમગ્ર મહારાષ્ટ્રની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. કંઇ પણ કચાશ નહીં રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે તેજ પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ખાનગી ઓફિસ સંચાલકોને ‘વર્ક ફ્રોમ હોમ’ ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જયારે બીનઆવશ્યક સરકારી કચેરીઓમાં અર્ધો દિ’ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા બીનજરૂરી પ્રવાસ નહીં કરવા અને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાં અને સુરક્ષીત સ્થળોએ રહેવાની પણ સલાહ જાહેર કરવામાં આવી છે.

બે શક્તિશાળી સિસ્ટમને કારણે મુંબઇ-મહારાષ્ટ્ર ધમરોળાઇ રહ્યા છે : ઇસરોના સેટેલાઇટે રહસ્ય ખોલ્યું

દેશના અનેક રાજ્યોમાં હાલ મુશળધારથી અતિ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોડા આવેલા ચોમાસાએ અચાનક આટલું રૌદ્ર સ્વરૂપ કેમ ધારણ કર્યું, તે સામાન્ય લોકો માટે એક રહસ્ય હતું. પરંતુ હવે ’ઇસરો’ના હવામાન ઉપગ્રહ ઇનસેટ-3ડીઆર એ દેશ પર એકસાથે સક્રિય થયેલી બે શક્તિશાળી ચોમાસાની સિસ્ટમની સ્પષ્ટ તસવીરો ઝડપી પાડીને આ પાછળનું અસલી કારણ જાહેર કર્યું છે.
સેટેલાઇટ ઇમેજમાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ અને પૂર્વ ભારત પર અત્યંત ઠંડા અને ઊંચા વાદળોની ઘેરાબંદી જોવા મળી રહી છે, જે ભારે વિનાશક વરસાદના સંકેત આપે છે.
સેટેલાઇટ ડેટા અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્રથી લઈને કોંકણ તટ સુધી એક મજબૂત મોન્સૂન સિસ્ટમ ફેલાયેલી છે.
પશ્ચિમ કિનારાની સમાંતર બનેલા લો-પ્રેશર બેલ્ટ અને અરબી સમુદ્રમાંથી સતત આવી રહેલા ભેજયુક્ત પવનોને કારણે મુંબઈ, કોંકણ અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સિસ્ટમને સમુદ્રમાંથી સતત બળ મળી રહ્યું હોવાથી દિવસભર વરસાદનું જોર યથાવત રહેશે.
આ તરફ પૂર્વ ભારતમાં બંગાળની ખાડી પર સર્જાયેલી બીજી ભયાનક સિસ્ટમ આફત નોતરી રહી છે. ઇનસેટ સેટેલાઇટના ઇન્ફ્રારેડ પિક્ચર્સમાં ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર વાદળોનું જાડું આચ્છાદન સ્પષ્ટ દેખાય છે. આ વાદળોની ઊંચાઈ વાતાવરણના સાનુકૂળ દબાણને કારણે ઝડપથી વધી રહી છે અને તેના ઉપરી ભાગમાં અત્યંત ઠંડા અને ચમકતા સફેદ દેખાઈ રહ્યા છે. હવામાન વિજ્ઞાન અનુસાર આવા વાદળો વીજળીના કડાકા-ભડાકા સાથે અતિવૃષ્ટિ લાવે છે.
આ સિસ્ટમ હવે ધીમે-ધીમે જમીની ભાગો તરફ સરકી રહી હોવાથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે.
ભારતીય હવામાન વિભાગે ઇસરોના આ ડેટાને આધારે મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાકનું ’અતિ મુશળધાર વરસાદનું એલર્ટ’ જાહેર કર્યું છે. સખલ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અને ઓછી વિઝિબિલિટીને લીધે રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
પર્વતીય અને ઘાટ વિસ્તારોમાં લેન્ડસ્લાઈડનું જોખમ હોવાથી વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સતર્ક રહેવા કડક અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ