દેશમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં સરેરાશ કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાતાં ખરીફ પાકનાં વાવેતરને મોટો વેગ મળવાની આશા જાગી છે. આ ભારે વરસાદનાં કારણે જૂન અંત સુધીમાં દેશમાં રહેલી ચોમાસાની 40 ટકાની ચિંતાજનક ખાધ હવે ઘટીને માત્ર 15.2 ટકાએ પહોંચી ગઈ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વરસાદનાં આ સકારાત્મક વળાંકને કારણે દેશનાં વરસાદી અછત ધરાવતાં જિલ્લાઓની સંખ્યા પણ 262 થી ઘટીને 178 થઈ ગઈ છે, જેનાથી આગામી દિવસોમાં વાવેતરની પ્રક્રિયા ઝડપી બનશે.
મુખ્યત્વે મધ્ય ભારતનાં કૃષિ ક્ષેત્રોમાં ગયા અઠવાડિયે ચોમાસું ભારે સક્રિય રહેતાં ત્યાં જૂન મહિનાની 50 ટકાની મોટી ઘટ સામે હવે 4 ટકાનો વરસાદ સરપ્લસ નોંધાયો છે. ભારતનાં મુખ્ય ખરીફ પાકો જેવા કે ડાંગર, કઠોળ, તેલીબિયાં અને કપાસનાં કુલ વાવેતરમાં આ વિસ્તારનો હિસ્સો ત્રીજા ભાગનો છે. અત્યાર સુધી દેશમાં ખરીફ વાવેતર ગયા વર્ષની સરખામણીએ 21 ટકા પાછળ ચાલી રહ્યું હતું, પરંતુ મધ્ય ભારતમાં ચોમાસાનાં આ પુનરાગમનથી ડાંગર અને કઠોળનાં પાકને જીવનદાન મળશે. બીજી તરફ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં હજુ પણ 39 ટકા વરસાદની અછત વર્તાઈ રહી છે, જે કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે. બિહારમાં 53 ટકા, ઉત્તર પ્રદેશમાં 40 ટકા અને ઝારખંડમાં 40 ટકા ઓછો વરસાદ નોંધાવાને કારણે ત્યાં વાવેતર પર માઠી અસર પડી શકે છે. સરકારે મહારાષ્ટ્રનાં 20 જિલ્લાઓ સહિત દેશનાં એવા 111 જિલ્લાઓને અત્યંત સંવેદનશીલ જાહેર કર્યા છે જ્યાં સિંચાઈની સુવિધા 25 ટકા કરતાં ઓછી છે. આવા વિસ્તારોનાં ખેડૂતોને ડાંગરના બદલે મકાઈ, બાજરી અને મગ જેવા ઓછા પાણીવાળા પાક તરફ વળવા સલાહ અપાઈ છે.