Jai Hind

ઓછી ડીમાંડ સામે સપ્લાય વધુ હોવાનો નિર્દેશ સોનામાં સપ્લાય વધી! રોકડ વ્યવહારમાં 4000 સસ્તુ

સોનાનો હાજર ભાવ 146400, રોકડામાં 142500: ઘટાડા તરફી ટ્રેન્ડને કારણે ખરીદી કરતા વેચાણ વધુ

સોના-ચાંદીના ભાવમાં અનિશ્ર્ચિત માહોલ યથાવત હોય તેમ આજે ભાવોમાં ફરી પીછેહઠ જોવા મળી હતી. ડીમાંડ સામે સપ્લાય વધુ હોય તેમ રોકડ કારોબારમાં ભાવમાં 4000નું ડીસ્કાઉન્ટ બોલાતું હતું.
રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવ 146400 રહ્યો હતો તેની સામે રોકડ વ્યવહારમાં ભાવ 142500 હતો. કોમોડીટી વાયદામાં ભાવ 950ના ઘટાડાની 141300 હતો જ્યારે વિશ્ર્વ બજારમાં 4027 ડોલર હતો. ચાંદીમાં હાજર ભાવ 226600 તથા વાયદામાં 221000 હતો. વર્લ્ડ માર્કેટમાં ચાંદીનો ભાવ 58.30 ડોલર હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વસ્તરે યુધ્ધ સહિતના ઘટનાક્રમો, કરન્સી ક્ષેત્રે ડોલરમાં તેજી સહિતના પરિબળો ભાગ ભજવી રહ્યા છે અને તેને કારણે ટ્રેન્ડ અનિશ્ર્ચિતતા બની રહ્યો છે કેટલાંક વખતથી સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ જ હોય તેમ દરેક ઉછાળે નીચા આવી જતા હોવાના કારણોસર એક વર્ગ મંદીમાં આવી ગયો ચે અને આવતા દિવસોમાં વર્લ્ડ માર્કેટમાં ભાવ વધુ ઘટીને 3400 ડોલર સુધી થવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે.
દરમિયાન વેપારીઓએ એમ કહ્યું કે સોનામાં અનિશ્ર્ચિત ટ્રેન્ડ વચ્ચે ઘટાડા તરફી માનસ અને કોઇ તહેવારો કે લગ્નગાળો ન હોવાના કારણે રીટેઇલ માર્કેટમાં ઓછી ડીમાંડને કારણે સપ્લાય પ્રેશર માલુમ પડી રહ્યું છે. ભાવ ઘટવાની ગણતરીએ મોટો વર્ગ ઇન્વેસ્ટરમેન્ટનું કે ઘરનું સોનુ પણ વેચી રહ્યો છે. ભાવ ઘટે ત્યારે ફરી ખરીદી કરવાની ગણતરીએ આમ કરવામાં આવી રહ્યું છે. ઓછી ડીમાંડ સામે સપ્લાય વધારાને કારણે લોકલ માર્કેટમાં ભાવમાં વધુ દબાણ છે. એટલે રોકડ વ્યવહારમાં 10 ગ્રામ સોનાનો ભાવ હાજર ભાવ કરતા 4000 જેટલો નીચો છે. ઝવેરીઓ એવો નિર્દેશ કરે છે કે અગાઉ જુના સોના સામે નવા દાગીના લેવાનો ટ્રેન્ડ હતો તેના બદલે હવે લોકો નાણાં જ પાછા માંગી રહ્યા છે એટલે સપ્લાય વધી જાય છે. ઉંચી આયાત જકાતને કારણે બારોબારનું સોનુ ઠલવાતું હોવાની શંકા પણ અસ્થાને નથી.