Jai Hind

પ્લાસ્ટિકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા આરબીઆઇએ ઝડપી બનાવી

ખાનગી કંપનીઓ સાથે કરાર થશે

દેશમાં વર્તમાન કાગળના ચલણના સ્થાને પ્લાસ્ટીકની કરન્સી નોટ લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ અખબારોમાં જાહેરાત આપીને આ નોટોના પ્રિન્ટીંગ માટે ઓપેસીફાઈડ પોલીમર સબટ્રેટ શીટના ઉત્પાદન માટે અને તે પુરુ પાડવા માટે ટેન્ડર મારફત કંપનીઓને આમંત્રીત કરી છે. આ પ્રકારની શીટ પ્લાસ્ટીકની નોટો બનાવવા માટે ખાસ જરૂરી છે. આ શીટમાં પ્લાસ્ટીકનું બેઈઝ મટીરિયલ હોય છે જે લાંબા સમય સુધી ચાલે તેવી કરન્સીનું પ્રિન્ટ કરવામાં મહત્વની છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા આ માટે સુરક્ષિત ટેકનોલોજી ઓફર કરી શકે તેવી કંપનીઓને સાથે કરાર કરશે. હાલમાં જ આરબીઆઈએ જાહેર કર્યુ હતું કે તે પ્લાસ્ટીકની નોટો લાવવાની તૈયારી કરી રહી છે. દેશમાં કાગળની કરન્સીનો પ્રિન્ટીંગ ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ ભારે ગરમી અને સરકયુલેશન વધવાને કારણે આ પ્રકારની ચલણી નોટોની આવરદા સતત ઘટી રહી છે અને તેના કારણે નોટો ઝડપથી ફાટી જાય છે અને રદીમાં આપવી પડે છે તેના સ્થાને પ્લાસ્ટીકની ચલણી નોટો એ વધુ લાંબા સમય સુધી ચાલે છે અને તે ઝડપથી ફાટતી કે ખરાબ થતી નથી. વિશ્ર્વના 60 જેટલા દેશો આ પ્રકારે પ્લાસ્ટીકની નોટો ચલણમાં ઉપયોગ કરે છે અને ભારતમાં પણ તે હવે દાખલ કરવાની તૈયારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી એક વર્ષમાં જ આરબીઆઈ આ પ્રકારની ચલણી નોટો લોન્ચ કરી લેશે. આમ આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં પ્લાસ્ટીક કરન્સીનો યુગ ચાલુ થશે.