નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશમાં મોબાઈલ ફોન અને તેનાથી જોડાયેલાં સ્પેરપાર્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 62,500 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ શરૂ કરી છે. સરકારને આશા છે કે આનાથી માત્ર ભારત દુનિયાનો મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ નહીં બને, પરંતુ સ્થાનિક બજારમાં પણ ફોન બનાવવાનો ખર્ચ ઘટશે અને સપ્લાય ચેન મજબૂત થશે, સાથે જ 60 હજાર નવી જોબ ક્રિએટ થશે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલી આ સ્કીમ આગામી પાંચ વર્ષ સુધી લાગું રહેશે. અત્યાર સુધી ભારતમાં મોટી સંખ્યામાં મોબાઈલ ફોનની એસેમ્બલી થતી રહી છે. પરંતુ કેમેરા મોડ્યુલ, ડિસ્પ્લે, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, બેટરી અને અન્ય મહત્વપૂર્ણ ભાગો માટે વિદેશી કંપનીઓ પર નિર્ભરતા બનેલી છે. નવી યોજનાનો ફોકસ આ જ ખામીને દૂર કરવા પર છે. સરકાર ઈચ્છે છે કે મોબાઈલના વધુમાં વધુ સ્પેરપાર્ટ્સ ભારતમાં જ બને, જેથી સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને આયાત પરનો ખર્ચ ઘટે. નવી સ્કીમ દ્વારા સરકારનું લક્ષ્ય માત્ર મોબાઈલ એસેમ્બલી સુધી સીમિત નથી. તે ભારતને ડિઝાઈન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગનું ગ્લોબલ સેન્ટર બનાવવા માંગે છે.