શિમલા, તા. 23 : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ચોમાસાની સિઝનમાં વરસાદ સંબંધિત જુદી જુદી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત થયાં છે. રાજ્યભરમાં ભૂસ્ખલન અને પહાડો પરથી કાટમાળ ધસી આવવાને કારણે લગભગ 100 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયાં છે, જેના લીધે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિજ્ઞાન કેન્દ્રએ આગામી 28 જુલાઈ સુધી રાજ્યનાં વિવિધ ભાગોમાં મુસળધાર વરસાદનું ’યલો એલર્ટ’ જારી કર્યું છે. કિંનૌર અને લાહૌલ-સ્પિતી સિવાય શિમલા, કાંગડા, મંડી, કુલ્લુ, ચંબા, સિરમૌર, બિલાસપુર, હમીરપુર, સોલન અને ઊના સહિતનાં 10 જિલ્લાઓમાં આગામી દિવસોમાં સતત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કાંગડા જિલ્લાનાં શાહપુર હેઠળ આવેલી બોહ ઘાટીમાં વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીં મકાઈનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે અને સંપર્ક માર્ગો તથા પુલ પૂરમાં તણાઈ ગયા છે. બેઘર થયેલાં અને અસરગ્રસ્ત 160 જેટલા લોકોને સ્થાનિક સરકારી શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. આ સિવાય કિંનૌર અને લાહૌલ-સ્પિતીમાં પણ પૂરનાં કારણે પુલ તૂટતાં અનેક લોકો ફસાયા છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રશાસને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને નદી-નાળાં અને ભૂસ્ખલન ધરાવતાં સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. અત્યંત જરૂરી કામ સિવાય મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે પ્રશાસન અને રાહત ટુકડીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવામાં આવી રહી છે.