Jai Hind

પેપર લીકમાં હવે ૧૦ વર્ષની જેલ અને રૂા.૧ કરોડ સુધીનો દંડ

ફાસ્ટટ્રેક કોર્ટ અને એક વર્ષમાં કોર્ટ કાર્યવાહી પુરી થશે

નીટ પરીક્ષા પેપર લીકના મુદે સર્જાયેલા આંદોલન અને સંસદમાં પણ જે રીતે વિપક્ષો સરકારને ભીંસમાં મુકી રહ્યા છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પેપર લીકમાં આકરી સજાની જોગવાઈ સાથે નવો સુધારા ખરડો લાવવાની જે જાહેરાત કરી છે તેમાં સરકાર પેપર લીક બદલ 10 વર્ષની જેલ સજા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરશે તેવા સંકેત છે. કેન્દ્ર સરકારે સાર્વજનિક પરિક્ષા (ગેરરીતિ રોકવા) અધિનિયમ 2024 માં સુધારા માટે તૈયારી કરી છે અને આજની કેબીનેટ બેઠકમાં તેના પર નિર્ણય લેવાશે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન પાસે આ અંગેનો મુત્સદો પહોંચી ગયો હતો જેમાં હાલ વ્યક્તિગત રીતે પેપર લીકેજમાં સંડોવાયેલા વ્યક્તિને 3થી5 વર્ષની જેલસજા અને 10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. સરકાર તેમાં હવે સુધારો કરી રહી છે જેમાં પેપર લીક કરનાર એટલે કે પેપર સેટર અથવા પ્રિન્ટીંગ પ્રેસ કે પેપર સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ જો લીક કરે તો તેને રૂા.1 કરોડ સુધીના દંડ અને સંગઠીત અપરાધમાં એટલે કે પેપર લીક ગેંગમાં 5થી10 વર્ષની જેલસજા અને રૂા.1 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવશે તેવા સંકેત છે. વડાપ્રધાને મોડીરાત્રે જ આ અંગે સંકેત આપી દીધા હતા અને સરકાર હવે પેપર લીકને એક એવો અપરાધ ગણી રહી છે જેમાં પેપર લીક ટ્રાયલ પુરી કરવા માટે એક સમય સીમા નકકી કરાશે અને એક વર્ષ કે ઓછા સમયમાં જ કાનુની કાર્યવાહી પુરી કરી આરોપીને અદાલત સજા આપે તે નિશ્ર્ચિત કરાશે. સરકારે 2024માં પેપર લીકનો કાનુન બનાવ્યો હતો પરંતુ નીટ પેપર લીક જેવી ગંભીર સ્થિતિ બાદ સરકાર માટે હવે કાનુન સુધારવો જરૂરી બની ગયો છે.