અદાણી એન્ટરપ્રાઇઝીસે એરલાઇન બિઝનેસમાં પ્રવેશવાના તમામ મીડિયા અહેવાલો અને બજારની અટકળોને સત્તાવાર રીતે ફગાવી દીધી છે. સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ નવી એરલાઇન શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં નથી. કંપનીએ આ અંગે ફેલાયેલી તમામ વાતો અને વાયરલ અહેવાલોને “પૂરેપૂરા નિરાધાર અને તથ્યોથી અલગ” ગણાવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યાં હતાં કે અદાણી ગ્રુપ સરકાર પાસેથી એરપોર્ટ માલિકીના એક જૂના નિયમમાં ફેરફાર કરાવવાની માંગ કરી રહ્યું છે. આ નિયમ મુજબ દિલ્હી કે મુંબઈ જેવા એરપોર્ટના ઓપરેટર્સ કોઈ શેડ્યૂલ્ડ એરલાઇનમાં 10 ટકાથી વધુ હિસ્સેદારી રાખી શકતાં નથી. આ નિયમ બદલવાની વાત સામે આવતાં જ બજારમાં એવી અફવાઓ વહેતી થઈ હતી કે અદાણી ગ્રુપ પોતે એરલાઇન શરૂ કરીને દેશની મોટી કંપનીઓ જેમ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયાને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે.
જોકે, અદાણી ગ્રુપે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેઓ એરલાઇન શરૂ કરવાની કોઈ યોજના બનાવી રહ્યાં નથી. નોંધનીય છે કે અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર છે. તેઓ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશના અનેક મહત્વનાં એરપોર્ટ્સનું સંચાલન કરે છે અને સાથે સાથે કાર્ગો હેન્ડલિંગ, એરપોર્ટ સર્વિસિસ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ જેવાં ક્ષેત્રોમાં પણ સક્રિય છે. પરંતુ, પેસેન્જર એરલાઇન શરૂ કરવાનો તેમનો હાલ કોઈ ઈરાદો નથી.