Jai Hind

મહારાષ્ટ્રમાં વધુ એક પેપર લીક

MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષાનું પેપર વોટ્સએપ પર વાયરલ ; 488 ઉમેદવારોનું ભવિષ્ય અદ્ધરતાલ

સંસદમાં પેપર લીક વિરોધી કાયદા અને ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજવામાં આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષામાં પ્રશ્ર્નપત્ર લીક થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ વિવાદને કારણે અંતિમ ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે, જેનાથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર 488 ઉમેદવારો અનિશ્ચિતકાળ માટે રાહ જોવાની સ્થિતિમાં મુકાયા છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના ધારાસભ્ય રોહિત પવારે દાવો કર્યો છે કે પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર સમય પહેલાં જ લીક થઈ ગયું હતું. તેમણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનેશન ના આયુક્ત તુકારામ મુંઢે સાથે મુલાકાત કરીને આ મામલાની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની માંગ કરી છે. પવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે પ્રશ્ર્નપત્ર વોટ્સએપ દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું અને પાંચ મિનિટમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું, તેમજ આ ભરતી પ્રક્રિયામાં અનેક વિસંગતતાઓ હોવાના સવાલો ઉઠાવ્યાં છે.