લજ્જા ભંગ, શીલ અને અસહાય મહિલા જેવા શબ્દો હવે અદાલતી ભાષામાંથી હટાવવાના આદેશ
સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડન અને લૈંગિક અપરાધોના કેસોની સુનાવણી કરનાર ન્યાયાધીશો માટે એક વ્યાપક અને સંવેદનશીલ માર્ગદર્શિકા જારી કરી છે. હાઇકોર્ટનાં કેટલાક જજો દ્વારા અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવાનાં કિસ્સાઓથી ચિંતિત થઈને અદાલતે આ મોટું પગલું ભર્યું છે. નેશનલ જ્યુડિશિયલ એકેડમીની મદદથી તૈયાર કરાયેલાં આ દિશા-નિર્દેશોનો ઉદ્દેશ્ય અદાલતી નિર્ણયોમાં અજાણતાં ઉપયોગમાં લેવાતી અસંવેદનશીલ ટિપ્પણીઓથી બચવાનો છે, જે પીડિતોને ફરીથી ગંભીર માનસિક આઘાત પહોંચાડે છે.
આ નવી રિપોર્ટમાં એવા સમસ્યાગ્રસ્ત વાક્યો અને શબ્દોની યાદી આપવામાં આવી છે જેનો અગાઉ જજો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ‘લજ્જા ભંગ’ ના બદલે ‘યૌન ઉત્પીડન’, ’તેણે પોતાની પવિત્રતા કે શીલ જેવા શબ્દોનાં બદલે ‘સરવાઈવરની શારીરિક સ્વાયત્તતાનું ઉલ્લંઘન’ અને ‘અસહાય મહિલા’ ના બદલે ‘ફરિયાદી’ જેવા કાયદાકીય રીતે યોગ્ય તથા તટસ્થ શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. આ સાથે જ ‘વાસનાથી પ્રેરિત’ શબ્દના બદલે ‘યૌન હિંસા’ શબ્દ વાપરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.