કિર્ગીસ્તાનથી વડાપ્રધાનનો સેલ્ફીસ્ટાઈલ વીડીયોથી ખાસ મેસેજ આર્થિક વિકાસથી મોદી ખુશ: ફરી ‘સ્વદેશી’નું આહવાન

સોનુ નહીં ખરીદવા, વૈભવી ફોરેન ટ્રીપ ટાળવા, વિદેશમાં લગ્ન નહીં કરવાની ફરી હાકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા, વિદેશમાં જઈને લગ્ન ન કરવા અને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી સોનું ખરીદવાનું ટાળવા અપીલ કરી છે. શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે કિરગિઝસ્તાનના બિશકેક પહોંચેલા વડાપ્રધાને એક સેલ્ફી વિડીયો સંદેશ મારફતે દેશવાસીઓને આ વિનંતી કરી હતી.
પોતાના સંદેશમાં પીએમ મોદીએ દેશનાં 7.8 ટકા આર્થિક વિકાસ દર બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધો અને સપ્લાય ચેઈનની સમસ્યાઓ હોવા છતાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે સ્વદેશી ચીજવસ્તુઓ અને આત્મનિર્ભરતા પર વધુ ભાર મૂકવાની જરૂર છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે જો વિદેશ પ્રવાસ માત્ર ફરવા-હરવા માટે હોય તો તે ટાળવો જોઈએ. એ જ રીતે વિદેશમાં જઈને લગ્ન કરવાનો ટ્રેન્ડ પણ અટકાવવો જોઈએ. તેમણે ઉમેર્યું કે જો આપણે અત્યારથી જ સ્વદેશીનો આગ્રહ રાખીશું, તો આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર આપણે આપણી યુવા પેઢીને એક પૂર્ણ વિકસિત ભારત ભેટ આપી શકીશું. સરકારની નીતિઓ અને દાનત સ્પષ્ટ હોવાનું જણાવતાં પીએમ મોદીએ ઉમેર્યું કે 140 કરોડ દેશવાસીઓની એકજૂથ તાકાત આજે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. આપણે સૌએ મળીને દેશનાં વિકાસની આ ગતિને સતત જાળવી રાખવાની છે, જેથી યુવાનોનાં તમામ સપનાઓ પૂરા થઈ શકે.
બિશકેક ખાતે યોજાયેલી 26મી જઈઘ સમિટમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિતના વૈશ્વિક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાહુલ ગાંધી પર પીએમ મોદીના આડકતરા પ્રહાર
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે દેશ એક તરફ ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, તો બીજી તરફ દેશની અંદર જ નિરાશામાં ડૂબેલાં કેટલાક લોકો ચારેય બાજુ ’જૂઠની ગૂંજ’ ફેલાવવામાં વ્યસ્ત છે. પીએમ મોદીનો આ ’જૂઠની ગૂંજ’વાળો કટાક્ષ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ’છત્ર કી ગૂંજ’ અભિયાન પર આડકતરો પ્રહાર માનવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈને ચલાવવામાં આવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ