વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી વિવાદિત ડોક્યુમેન્ટરીને લઈને બ્રિટિશ બ્રોડકાસિ્ંટગ કોર્પોરેશન ની મુશ્કેલીઓમાં મોટો વળાંક આવ્યો છે. ગુજરાત સ્થિત બિન-સરકારી સંસ્થા ’જસ્ટિસ ઓન ટ્રાયલ’ દ્વારા બીબીસી સામે દાખલ કરવામાં આવેલો રૂા.10,000 કરોડનો હાઇ-પ્રોફાઇલ માનહાનિનો દાવો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણી દરમિયાન અરજદાર સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ જ મુદ્દે વધુ મજબૂત કાનૂની આધારો સાથે નવો દાવો દાખલ કરશે. બીબીસી દ્વારા બે ભાગમાં રજૂ કરવામાં આવેલી વિવાદિત ડોક્યુમેન્ટરી ’ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ ને લઈને ગુજરાતની સંસ્થા ’જસ્ટિસ ઓન ટ્રાયલ’ દ્વારા અદાલતમાં માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અરજદાર સંસ્થાએ પોતાની અરજીમાં ભારપૂર્વક દલીલ કરી હતી કે આ ડોક્યુમેન્ટરી દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને જ નહીં, પરંતુ ભારત દેશની વૈશ્વિક
પ્રતિષ્ઠા અને ભારતની સ્વતંત્ર ન્યાયતંત્રની પ્રણાલીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. અરજદાર સંસ્થા વતી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ શર્માએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ હાલનો દાવો પાછો ખેંચવાની પરવાનગી આપે, જેથી તેઓ તમામ કાનૂની પાસાઓને આવરી લઈને આ જ આધાર પર નવો દાવો રજૂ કરી શકે. હાઇકોર્ટે સંસ્થાની આ વિનંતીને ગ્રાહ્ય રાખી હતી અને જૂના દાવાને ફગાવીને નવો દાવો દાખલ કરવાની પરવાનગી આપી હતી.