વ્યાપક ઉત્પાદન અને ડિજિટલ ડિઝાઇનના આ યુગમાં, હાથ વડે બનાવાયેલી વસ્તુનું મૂલ્ય માત્ર તેની સુંદરતામાં જ નહીં, પરંતુ તેની પાછળ રહેલા જ્ઞાનમાં રહેલું છે. દરેક વણાટ, સિલાઇ, કોતરણી અને સુશોભન એક આગવો ઇતિહાસ ધરાવે છે- જે કારીગરી પેઢી દર પેઢી બેનમૂન થતી આવી છે, સ્થાનિક સામગ્રી દ્વારા આકાર પામી છે અને તેને જીવંત રાખનારા સમુદાયો દ્વારા સચવાયેલી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (ગખઅઈઈ) ખાતેનું સ્વદેશ પ્લેટફોર્મ આ જીવંત હસ્તકલા પરંપરાઓને આધુનિક શૈલીમાં પ્રસ્તુત કરે છે, જે મુલાકાતીઓને આપણા કારીગરો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ પાછળના કૌશલ્ય, ધીરજ અને કહાણીઓને નિરખવાની તક પૂરી પાડે છે.
રિલાયન્સ ફાઉન્ડેશનની એક પહેલ, સ્વદેશ એ ગખઅઈઈના કોનકોર્સ (સભાગૃહ પરિસર) પર સાત પેવેલિયન્સ દ્વારા આ પરંપરાઓની કેન્દ્રવર્તી પ્રસ્તુતિ કરે છે. આમાં દર્શાવવામાં આવતી હસ્તકલા દરેક ઋતુમાં બદલાતી રહે છે. હાલની લાઇન-અપમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનું જરદોશી કામ; તેલંગણા અને રાજસ્થાનના દંક પોલ્કી દાગીના; રાજસ્થાનના પિછવાઈ ચિત્રો અને રત્નો પરની કોતરણી; ઉત્તરપ્રદેશનું બનારસી વણાટકામ; કાશ્મીરના કાલ બાફી ગાલીચા અને સોઝની ભરતકામ; તેમજ ઓડિશા તથા તેલંગણાનું ચાંદીનું જડતર કામ સામેલ છે.
સ્વદેશની નિકટતાની લાગણી જ તેને બીજા કરતા નોખી તારવે છે. ભારતની શ્રેષ્ઠ હાથશાળ અને હસ્તકલા પરંપરાઓને જીવંત રાખવા માટેના એક સમર્પિત પ્રદર્શન સ્થળ તરીકે, સ્વદેશ દરેક મુલાકાતીને કળાના એકેએક સ્વરૂપને ખૂબ નજીકથી નિરખવા, કારીગરો સાથે વાર્તાલાપ કરવાની અને તેઓ કામ કરે ત્યારે તેમની સાથે તેમને વારસામાં મળેલા વંશપરંપરાગત જ્ઞાન અને કૌશલ્ય વિશે વાતો કરવા અને તેમને સાંભળવાની તક પૂરી પાડે છે. ઓડિશાના એક ચાંદીના કારીગર ચાંદીને વાળ જેટલા બારીક તારમાં ખેંચીને તેમાંથી બારીક ફિલિગ્રી (તારકશી) કામ તૈયાર કરે છે; બનારસી વણકર રેશમના સેંકડો તારથી સજ્જ શાળ (લૂમ) પર કામ કરે છે. આની પ્રક્રિયાનું અવલોકન પણ અંતે તૈયાર થયેલી વસ્તુ જેટલું જ આકર્ષક હોય છે, જે દરેક કળા માટે જરૂરી સમય, ચોકસાઈ અને કૌશલ્યની વધુ સારી સમજ આપે છે.