Jai Hind

ઓગસ્ટમાં સોનાની આયાતમાં 58 ટકાનો ધરખમ ઘટાડો

સોનુ ન ખરીદવાની વડાપ્રધાનની અપીલ તથા ઉંચી આયાત જકાતની અસર

વિશ્ર્વસ્તરે યુધ્ધ-ભૌગોલિક સંકટ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર અભૂતપૂર્વ વૃધ્ધિ દર્શાવી જ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં ભારતીય નિકાસ 26.12 ટકાના વધારા સાથે 43.81 અબજ ડોલરે પહોંચી હતી. બીજી તરફ સોનાની ખરીદીમાં 58 ટકાના ધરખમ ઘટાડાની અસરથી વિદેશી હુંડિયામણ મોરચે ભારતને મોટી રાહત થઇ છે.
કેન્દ્ર સરકારના સતાવાર રીપોર્ટ પ્રમાણે સોનાની આયાતમાં ધરખમ ઘટાડાથી દેશની વ્યાપાર ખાદ્ય 26.86 અબજ ડોલરના પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગઇ છે. ભારતમાં ઓગસ્ટ મહિનામાં સોનાની આયાત 2.3 અબજ ડોલરની હતી જે ગત વર્ષના ઓગસ્ટમાં 5.4 અબજ ડોલર હતી તેની સરખામણીએ આયાતમાં 57.7 ટકાનો ઘટાડો છે.
આયાત-નિકાસના આંકડાકીય રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે નિકાસ વૃધ્ધિમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલીયમ પેદાશોનો રહ્યો હતો. ઓગસ્ટની 26.12 ટકાની નિકાસ વૃધ્ધિ જુન-2022 પછીની સૌથી મોટી માસિક વૃધ્ધિ છે. જ્યારે નિકાસમાં 30.22 ટકાનો નિકાસ વધારો નોંધાયો હતો. ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ મહિનાની નિકાસ વૃધ્ધિ 17.85 ટકા રહી છે અને કુલ નિકાસ 215.19 અબજ ડોલર થવા જાય છે.
નિકાસની સાથોસાથ આયાતમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ મહિનાની આયાત 14.1 ટકા વધીને 70.76 ટકા રહી છે. ગત મહિને ક્રુડની આયાત પડતર સરેરાશ, 90થી 94 ડોલરની રહી હતી. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીની આયાત 18.21 ટકાના વધારા સાથે 363 અબજ ડોલર થઇ છે.
કેન્દ્રીય વ્યાપાર સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિક્સ દેશો તથા વિકાસશીલ રાષ્ટ્રોમાંથી સારી ડીમાંડ રહી હતી જે દુનિયાભરમાં ભારતની વધતી પહોંચ-તાકાત દર્શાવે છે. ભારતની નિકાસ વ્યાપારને વેગ મળી રહ્યો છે.