નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 અને 24 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં સેવા તીર્થ ખાતે સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ સાથે બે દિવસીય ‘ચિંતન શિબિર’ યોજશે. સરકારના ત્રીજા કાર્યકાળના મધ્યભાગે યોજાનારી આ બેઠકમાં શાસન વ્યવસ્થા, વિવિધ મંત્રાલયોની કામગીરી, પરસ્પર સંકલન અને આગામી સમયની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થવાની છે. આ બેઠક સેવાતીર્થ ખાતે યોજાશે.
ચિંતન શિબિરની તૈયારીના ભાગરૂપે વડાપ્રધાને આઠ-આઠ મંત્રીઓના અનેક જૂથો બનાવ્યા છે. આ જૂથોમાં શાસન વ્યવસ્થા, સંચાર અને આત્મસુધારણા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીઓને પોતાના મંત્રાલયની કામગીરી, અત્યાર સુધીની પ્રગતિ અને પરિણામો અંગે સ્વ-મૂલ્યાંકન સાથેનો અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.
દરમિયાન વડાપ્રધાને તમામ મંત્રાલયો અને વિભાગોની સત્તાવાર વેબસાઇટને વધુ સરળ અને લોકભોગ્ય બનાવવાની દિશામાં પણ કામ કરવા જણાવ્યું છે. ચિંતન શિબિરમાં સરકારના આગામી એજન્ડા, મંત્રાલયોના સંકલન અને વહીવટી કાર્યક્ષમતામાં સુધારા અંગે પણ ચર્ચા થવાની છે.
સરકારના કામકાજ અને મંત્રાલયોની કામગીરીની સમીક્ષા સાથે આગામી પ્રાથમિકતાઓ પર થશે મંથન