ટેકનોલોજી યુગમાં વધી રહેલા સાયબર ફ્રોડ સહિતના કૌભાંડો સામે સરકાર એક્શનમાં આવી છે. ટેલીકોમ વિભાગ દ્વારા સિમકાર્ડના ગેરઉપયોગ તથા આઇએમઇ આઇ નંબરમાં છેડછાડ સહિતના મામલે આકરી જોગવાઇ કરવામાં આવી છે. આવા કિસ્સામાં ત્રણ વર્ષની જેલ તથા 50 લાખ સુધીનો દંડ થઇ શકે છે.
મધ્ય પ્રદેશમાં બોગસ રીતે સિમકાર્ડ જારી કરવાનો કિસ્સો પકડાયા બાદ ટેલીકોમ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે છતીસગઢના એજન્ટો નાગરિકોના દસ્તાવેજોનો ગેરઉપયોગ કરીને બારોબાર 25 મોબાઇલ કનેક્શન જારી કરી દીધા હતા. ટેલીકોમ વિભાગ તથા સંબંધિત કંપનીઓએ એજન્ટને બ્લેકલીસ્ટ કર્યો હતો અને નવા સિમકાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેના દ્વારા અપાયેલા 25 કનેક્શનની ડીજીટલ ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મ પર તપાસ કરવામાં આવી હતી. નવેસરથી વેરીફીકેશન કરાવાયું હતું. વેરિફાઇ ન થયેલા કનેકશન બંધ કરી દેવાયા હતા.
ટેલીકોમ વિભાગે કહ્યું કે પોતાના નામનું મોબાઇલ સિમકાર્ડ અન્ય વ્યક્તિને આપવું કે વેચવું પણ અપરાધ છે. આવા સિમકાર્ડનો ઉપયોગ ગેરકાનૂની પ્રવૃત્તિમાં થાય તો મૂળ ગ્રાહક પણ જવાબદાર ઠરશે આ સિવાય આઇએમઇ આઇ નંબરમાં છેડછાડ પણ અપરાધ છે.