ડેડલાઈન લંબાવવાની કોઈ શકયતા નથી: એમડીઆર ચાર્જ ગ્રાહકો પર ન પડે તે જોવા ઈન્ડીયન બેન્ક એસો.ને જવાબદારી- 18% જીએસટી પર પણ વિચારણા થઈ શકે
નવી દિલ્હી: આગામી તા.15થી દેશભરમાં લાગું થઈ રહેલા યુપીઆઈ ચાર્જ મુદે વિરોધ વધી રહ્યો છે તથા હવે વેપારી સંગઠનોએ પણ યુપીઆઈ ચાર્જનો વિરોધ કરીને તા.2ના રોજ દેશભરમાં નો-યુપીઆઈ-ડે મનાવવા તથા તા.15થી અમલમાં આવી રહેલી આ વ્યવસ્થા બાદ યુપીઆઈ-કયુઆર-કોડ દુર કરવાની જાહેરાત કરી છે તો સરકાર યુપીઆઈનો અમલીકરણમાં પણ હાલ પીછેહઠ કરવા તૈયાર નથી અને નાણા મંત્રાલયે જાહેર કર્યુ છે કે તા.15 ઓકટોથી યુપીઆઈ લાગુ કરવાનો જે નિર્ણય છે તેમાં કોઈ બદલાવ થશે નહી અને તેના અમલ શરુ થઈ જશે. સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ તા.15થી અમલની તારીખ પાછળ ઠેલવાનો સરકારનો કોઈ ઈરાદો નથી પણ હવે તા.7ના રોજ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠક પર નજર છે. તેમાં યુપીઆઈમાં રૂા.2000થી વધુના વ્યવહારો પર જે રીતે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસુલાશે તેમાં 18% જીએસટી પણ લાગશે અને જીએસટી કાઉન્સીલ આ અંગે 18%ના બદલે ઓછો દર વસુલાય તેના પર વિચારણા થઈ શકે છે. જો કે હાલ જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ મુદો એજન્ડા પર નથી પણ આખરી ઘડીએ નાણામંત્રીની મંજુરીથી તે ઉકેલાઈ શકે છે. બીજી તરફ દેશભરમાં વ્યાપારી સંગઠનો જે રીતે આ એમડીઆરનો વિરોધ કરી રહ્યા છે તો સરકારે પણ હવે વિવિધ વ્યાપારી સંગઠનો સામે સીધી વાતચીતની તૈયારી કરી છે.
સરકારને ડર છે કે એક વખત આ ચાર્જ અમલમાં આવશે એટલે વ્યાપારી સમુદાયને ગ્રાહક પર જ પાસઓન કરી દેશે. ભૂતકાળમાં દરેક સમયે ટેકસ કે ચાર્જમાં આ જ સ્થિતિ સર્જાઈ છે. હવે સરકારને વ્યાપારીઓ આ નવી વ્યવસ્થામાં જોડાય અને છતા ગ્રાહક પર ચાર્જ પાસઓન ન કરે તે બન્ને જોવાનો પડકાર છે. આ માટે એક મિકેનીઝમ તૈયાર કરવાની જવાબદારી ઈન્ડીયન બેઠક એસો.ને આપી છે અને બેન્કો આ પ્રકારનો ચાર્જ ગ્રાહકને માથે જાય નહી તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું છે. સરકાર એ સમજાવવા મથી રહી છે કે આ કોઈ ટેક્ષ કે ફી નથી. ફકત સીસ્ટમ સંચાલન ખર્ચ છે તે વસુલાઈ રહ્યા છે અને તેનાથી સરકારને કોઈ આવક થવાની નથી. આ ચાર્જ સીસ્ટમની અંદર જ રહેશે તથા રેલવે, ટેલીકોમ, વિમા, ઈંધણ, કૃષી ખરીદી વિ.માં તે રૂા.5 સુધી મર્યાદીત છે. સરકાર આ ઉપરાંત રૂા.2000થી ઓછા વ્યવહારને જે રીતે એનડીઆરમાંથી મુક્તિ અપાઈ છે તેમાં જે સંચાલન ખર્ચ થશે તે સબસીડી યથાવત રાખશે. સરકાર આ સીસ્ટમમાં દર વર્ષે રૂા.2000 કરોડ જેવી સબસીડી આપે છે તે હાલના સમય માટે ચાલુ રાખે તેવી ધારણા છે.
