Jai Hind

ગાંધી જયંતી : રાજઘાટ પહોંચી પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી

દેશભરમાં મહાત્મા ગાંધીની 157મી જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી સ્થિત રાજઘાટ ખાતે આયોજિત વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચીને બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં દેશનાં વિવિધ ધર્મોનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને રાષ્ટ્રપિતાના સત્ય તેમજ અહિંસાના વિચારોને યાદ કર્યા હતા.
આ નિમિત્તે રાજઘાટ ખાતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, દિલ્હીના ઉપરાજ્યપાલ તારણજીત સિંહ સંધૂ, દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતનાં અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપીને બાપુને નમન કર્યા હતા. દેશનાં તમામ નેતાઓએ મહાત્મા ગાંધીના સ્વદેશી, સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને પૂર્ણ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. સોશિયલ મીડિયા તેમજ વિવિધ માધ્યમો દ્વારા નેતાઓએ સંદેશ આપ્યો હતો કે બાપુનાં વિચારો આજે પણ સમગ્ર વિશ્વને શાંતિ, માનવતા અને માનવ કલ્યાણનો માર્ગ બતાવે છે.

રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન, સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનો સંદેશ યાદ કરાયો

લાલબહાદુર શાસ્ત્રી જયંતિએ વિજયઘાટ પર નમન
ગાંધી જયંતીની સાથે જ દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જયંતી પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહી છે. વિજય ઘાટ પહોંચીને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પિયૂષ ગોયલ સહિત વિપક્ષી નેતાઓએ શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. નેતાઓએ શાસ્ત્રીજીના સરળ જીવન, અદમ્ય સાહસ અને ’જય જવાન, જય કિસાન’ના નારાને યાદ કરીને રાષ્ટ્ર નિર્માણમાં તેમનાં અતુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.