Jai Hind

હજુ બે વ્યાજદર તોળાઈ રહ્યા છે: ચેતવણી છ બેન્કોએ વ્યાજદર વધારી પણ દીધા: રિટેલ-વ્યાપારી તમામ લોન મોંઘી


ફલોટીંગ વ્યાજ દર વાળા ધિરાણ મોંઘા; તહેવાર ટાંકણે બોજો વધશે: આરબીઆઈ સીસ્ટમમાંથી રોકડ પણ પાછી ખેચશે: નાણા ભીડની ચિંતા: ફુગાવો ઘટાડવાની ચિંતામાં લોકોના બજેટ પર કાતર

મુંબઈ: લગભગ ચાર વર્ષના ગાળા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટના જે વધારો કર્યો છે તે લાંબાગાળા ‘જોર કા ઝટકા- ધીમે સે લગે’ તેવો સાબીત થશે તે નિશ્ર્ચિત છે. કારણ કે આરબીઆઈએ ભવિષ્યમાં એટલે કે નજીકના જ ભવિષ્યમાં વ્યાજદર ઘટવાનું તો ભુલી જવું પડશે. હજુ કમ સે કમ બે વખત અને ઓછામાં ઓછા વધુ 50 બેસીસ પોઈન્ટનો વ્યાજદર વધારો આવશે તેવો સંકેત આપી દીધો છે અને તેની સાથે બેન્કોનું ધિરાણ મોંઘુ થશે. મહત્વનું રિઝર્વ બેન્ક ખુદ કહે છે કે સીસ્ટમમાં પૈસા ઘણા છે એટલે કે લીકવીડીટી વધુ હશે અને તેથી તે પાછી ખેચવી પડશે જેથી મની માર્કેટ ટાઈટ થાય- બજારમાં નાણા ઓછા ફરે અને લોકોનો હાથ પણ થોડો બંધ રહે એટલે કે ખરીદી પર અંકુશ આવે તો પછી ફુગાવો ઘટશે. આ તમામ લાંબા ગાળાના આયોજનો છે. કારણ કે હાલ તો વ્યાજદર વધારાતા જ દેશની છ મોટી બેન્કોએ હોમ લોન-રિટેલ તથા ઓટો લોન પર વ્યાજમાં વધારો જાહેર કરી જ દીધા છે. ભલે આ કારણોથી બેન્ક ધીરાણ તથા નાની બચતના વ્યાજદર વધશે પણ બન્ને વર્ગ અલગ છે. હોમ લોન- રિટેલ કે ઓટો લોન ધારક માટે જેઓ ખાસ કરીને રીપોરેટ-સંલગ્ન બેન્ક ધિરાણ દર ધરાવે છે. તેઓને તાત્કાલીક આંચકો લાગશે. પંજાબ નેશનલ બેન્ક એ પ્રાઈમ લેન્ડીંગ રેટ 8.10% થી વધારી 8.35% કર્યો છે. બેન્ક ઓફ બરોડાએ આ દર 7.90% થી વધારી 8.15% કર્યો છે. બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક પણ પીએલઆર 8.35% કર્યો છે તો તામીલનાડુ મર્કન્ટાઈલ જે પીએલઆર 8.25% થી 8.50% કર્યા છે. આ એ દર છે જેના આધારે વિવિધ ધિરાણ દર નિશ્ર્ચિત થાય છે. ખાસ કરીને તહેવારો ટાંકણે ઘર ખરીદનાર માટે દર વધશે તો રિટેલ લોન- ઓટો લોન મોંઘી થશે. વર્તમાન લોન ધારકો માટે ઈએમઆઈ વધી જશે જે તેના બજેટમાં એક ગાબડું પાડશે તે નિશ્ર્ચિત છે. બેન્ક ધિરાણ વ્યાપારી વર્ગ માટે પણ મોંઘુ થશે. ફરી રિટેલ ક્રેડીટથી વ્યાપારી ક્રેડીટ પણ મોંઘી થશે. જેના કારણે સંચાલન-ઉત્પાદન ટ્રાન્સપોર્ટેશન તથા અન્ય સર્વિસમાં પણ વ્યાજદર વધારા તથા કાચા માલની પણ પડતર વધતા તે ભાવવધારો ગ્રાહક પર આવશે. હાલ ફિકસ વ્યાજદર ધિરાણ પર સીધી અસર થશે નહી પણ તેઓને રીકરીંગ અસર થશે. રિઝર્વ બેન્ક તો આગળના વધુ ખરાબ એંધાણ આપ્યા છે. ‘કેલીબ્રેટેડ-ટાઈટનીંગ’ એટલે કે પુરા અંકુશ સાથેની કડક નીતિ અપનાવવી પડશે તેવા શબ્દનો ઉપયોગ કર્યો છે જે મુજબ આરબીઆઈ પાસે વિકલ્પ જ નથી. બહારી ફેકટર એટલે કે ક્રુડ, યુદ્ધ, રૂપિયો ઉપરાંત ઘરેલુ ફેકટર અલનીનો અને ઉત્પાદનમાં દબાણ આ બધા એક સાથે કામ કરે છે.