Jai Hind

સમગ્ર ભારતમાંથી ચોમાસાની વિદાય: 13 ટકા ઓછો વરસાદ

એન્ટ્રી મોડી પણ એકઝીટ નિયત તારીખે જ થઈ

દક્ષિણમાં શિયાળુ ચોમાસાનુ પણ આગમન થઈ ગયુ

ભારતમાંથી નૈઋત્ય ચોમાસાએ દેશભરમાંથી વિદાય લઈ લીધી છે અને દક્ષિણમાં શિયાળુ ચોમાસાનો પ્રારંભ થઈ ગયાનુ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. રસપ્રદ બાબત એ છે કે ચોમાસાની વિદાય નિયત તારીખે જ થઈ છે. અર્થાત એન્ટ્રી લેવામાં મોડુ થયુ હતું. પરંતુ વિદાય નિયત તારીખે જ થઈ છે.
ભારતમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાય સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી પશ્ર્ચીમી રાજસ્થાનથી શરૂ થતી હતી અને 15 ઓકટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી પાછુ ખેંચાઈ જાય છે. આ વખતે વિદાય પ્રક્રિયા 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 16મી સુધીમાં પુર્ણ થઈ છે.હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે ચોમાસુ શિયાળાના આગમન સાથે દક્ષિણ ભારતના રાજયોમાં અનેક ભાગોમાં 21 ઓકટોબર સુધી વરસાદી રાઉન્ડની સંભાવના છે. ગઈકાલે તામીલનાડુ, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ તથા કર્ણાટક-કેરળના અંતરિયાળ ભાગોમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે શિયાળુ ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી કરી છે. ઓકટોબરથી ડિસેમ્બરના આ ચોમાસામાં દક્ષિણ ભારતમાં વાર્ષિક કુલ વરસાદનુ 30 ટકા પાણી વરસતુ હોય છે. તામીલનાડુ-પુડ્ડુચેરીમાં આ ટકાવારી 48 ટકા રહે છે. ચોમાસુ નોર્મલ રહેવાના સંજોગોમાં દક્ષિણ ભારતને રાહત મળી શકે છે.
કારણ કે નૈઋત્ય ચોમાસાનો વરસાદ ઓછો થયો છે. 1901 પછી ચોથા નંબરનો સૌથી ઓછો વરસાદ પડયો હતો.
ભારતમાં જુન-સપ્ટેમ્બરના નૈઋત્ય ચોમાસામાં નોર્મલ કરતા 13 ટકા ઓછો વરસાદ થયો છે. 2001 પછીનુ ચોથુ અને 1901 પછીનુ 13માં નંબરનું સૌથી નબળુ ચોમાસુ છે. કર્ણાટકમાં સૌથી વધુ 30 ટકા, કેરળમાં 28 ટકા, આંધ્રપ્રદેશમાં 25 ટકા તથા તામીલનાડુમાં 20 ટકાની વરસાદી ખાધ છે.