અમેરિકામાં ટ્રમ્પને મળશે મોદી: બન્ને દેશો વચ્ચે વ્યાપાર સમજુતી પર સહી-સિકકાની શકયતા
તા.11 અને 12 કેનેડામાં ટોરન્ટો અને ઓટાવોની મુલાકાત: અમેરિકામાં જી-20 દેશોની શિખર પરિષદ અને બેલ્જીયમમાં વિશ્ર્વ વ્યાપાર સંગઠનની બેઠકમાં હાજરી આપશે
ભારત અને કેનેડા વચ્ચેના ગાઢ બનતા જતા સંબંધોમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.11 અને 12 ડિસેમ્બરના કેનેડાની મુલાકાતે જવાના છે તે સાથોસાથ અમેરિકા અને બ્રસેલ્સની પણ મુલાકાત લે તેવા સંકેત છે. શ્રી મોદીનો કેનેડા પ્રવાસ નિશ્ર્ચિત થઈ ગયો છે અને તેઓ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણથી કેનેડા જઈ રહ્યા છે અને આ અંગે માહિતી આપતા કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કેલગરીમાં એક રેસ્ટોરામાં ભારતીયોને સંબોધન કરતા જણાવ્યું કે મોદી મોટાભાગે ટોરન્ટોની મુલાકાત લેશે અને બાદમાં કેનેડાના પાટનગર ઓટાવો પણ જશે તથા ભારતીય સમુદાયને પણ ટોરન્ટોમાં સંબોધન કરશે. છેલ્લે 2015માં વડાપ્રધાન મોદી કેનેડા ગયા હતા. બાદમાં તા.13ના રોજ શ્રી વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચશે અને ત્રણ દિવસ રોકાશે જે દરમ્યાન તેઓ જી-20 દેશોની બેઠકમાં હાજરી આપશે. મહત્વનું એ છે કે વડાપ્રધાન મોદીની આ મુલાકાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્ર્વના નેતાઓ સાથે મુલાકાત થશે અને ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર સમજુતી અટકી છે તેમાં નિર્ણય લેવાશે. શ્રી મોદી તા.16થી17 બ્રસેલ્સ પહોંચશે અને બેલ્જીયમના પાટનગરમાં વિશ્ર્વ વ્યાપાર સંગઠનની બેઠકમાં હાજરી આપશે અને તેમાં ખાસ કરીને યુરોપીયન સંઘ સાથેના ભારતના મુકત વ્યાપાર સમજુતી પર હસ્તાક્ષર થશે.