એક જ દિવસની અલગ-અલગ સમયની ફલાઈટના ભાડામાં પણ મોટો તફાવત
દિવાળીના તહેવારો-વેકેશન પૂર્વે વિમાનીભાડા નવી ઉંચાઈએ પહોંચવા લાગ્યા છે અને કેટલાંક રૂટ પર સાત ગણા સુધીનો વધારો થઈ ગયો છે.
દિલ્હી-કોલકતા રૂટ પરનું વિમાની ભાડુ સામાન્ય દિવસોમાં 10 થી 11 હજાર હોય છે.તે 6 નવેમ્બર અર્થાત દિવાળીની અગાઉનું 78694 સુધી પહોંચી ગયુ છે.આ જ રીતે સવારને બદલે બપોર કે સાંજની ફલાઈટના ભાડા પણ વધુ મોંઘા થયા છે. એક જ દિવસની જુદા જુદા સમયની ફલાઈટના ભાડામાં પણ મોટો તફાવત છે.6 નવેમ્બરની બેંગ્લોર-દિલ્હીની ફલાઈટ સવારે પાંચ વાગ્યાની ફલાઈટનું ભાડુ 15901 છે જયારે બપોરે 3.45 ની ફલાઈટનું ભાડુ 40506 છે. મહાનગરો તથા પ્રવાસન સ્થળોનાં વિમાની ભાડામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
જાણકારોનાં કહેવા પ્રમાણે વતનથી દુર રહેતા કર્મચારીઓ-વેપારીઓ દિવાળીનાં દિવસોમાં વતન જવાનું પસંદ કરતા હોય છે. એટલે ચોકકસ તારીખોનાં વિમાની ભાડા વધુ ઉંચા પહોંચી જાય છે. એરલાઈન્સ કંપનીઓ ડીમાંડ અને સીટની ઉપલબ્ધતાના આધારે ભાડા નકકી કરતી હોય છે. એડવાન્સ બુકીંગમાં સસ્તી સીટો ફટાફટ બુક થઈ જતી હોય છે. મોંઘી ટીકીટો ખરીદવી પડે છે. આ ઉપરાંત અમુક રૂટો પર ફલાઈટની સંખ્યા ઓછી હોય છે. જયારે પ્રવાસીઓનું પ્રમાણ વધુ રહેતુ હોય છે એટલે ભાડા વધારો સ્વાભાવિક છે. કેટલાંક વખતથી ફલાઈટોની સંખ્યા ઘટવા ઉપરાંત ઈંધણ મોંઘુ થયુ છે તે પણ ભાડા વધારા પાછળનું એક કારણ છે.
